મુંબઈ : ઘણીવાર એવું બને કે પરીક્ષા દરમ્યાન પ્રશ્નપત્રમાં એક જ પ્રશ્ન બે વાર પૂછાઈ જાય.પરંતુ પ્રશ્નપત્રિકામાં સવાલ સાથે જ જવાબ પણ છાપેલાં હોય તેવું ક્યારેય સાંભળ્યું નથી. પરંતુ છબરડાંમાં અવ્વલ એવી મુંબઈ યુનિવર્સિટીના એલએલબીના સિવિલ પ્રોસિજર કોડના પેપરમાં પ્રશ્નપત્ર સાથે જ જવાબ પણ આવ્યાં હોવાનું જણાયું હતું.જોકે આ પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યાં પહેલાં જ બદલી દેવાયા હોવાનું યુનિવર્સિટીનું કહેવું છે.મુંબઈ યુનિવર્સિટીની લૉ પરીક્ષાનું આજે બપોરે બે વાગ્યે પાંચમી સેમેસ્ટરનું સિવિલ પ્રોસિજર કોડનું પેપર હતું.વિદ્યાર્થીઓ ક્લાસરુમમાં આવ્યા બાદ તેમના હાથમાં પેપર આવતાં તેમણે પેપર જોતાં તેમાં સવાલ સાથે જવાબ પણ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી તેમણે શિક્ષકોને આ વાતની જાણ કરી હતી.
જોકે યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી લીલાધર બન્સોડેએ જણાવ્યું કે, આ ઘટના માત્ર બે સેન્ટર પર બની હતી.જ્યાં વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ કરતાં તુરંત જ પેપર બદલી નાંખવામાં આવ્યા હતાં અને આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓ સામે પેપર ફૂટયું એવું કહી શકાશે નહીં.કારણ ખૂબ ઝડપથી આ પ્રકાર ધ્યાનમાં આવતાં તુરંત જવાબ સહિતના પ્રશ્નપત્રો બદલી વિદ્યાર્થીઓને અન્ય પેપર આપી દેવામાં આવ્યા હતાં.દરમ્યાન, મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં થયેલ આ બનાવને કારણે વિદ્યાર્થીઓ થોડાં સમય માટે મૂંઝાઈ ગયા હતા.પરંતુ આ પ્રશ્નપત્રિકા સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થઈ છે.જોકે આ કિસ્સાને કારણે યુનિવર્સિટીના કારભાર સામે વાલી-વિદ્યાર્થીઓએ પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.