જોધપૂરમાં ઈદની ઊજવણી વખતે બે જૂથો વચ્ચે પથ્થરમારા પછી કરફ્યૂ

130

જયપુર, તા.૩ : રાજસ્થાનના જોધપુરમાં સોમવારે મોડી રાતે બે જૂથો વચ્ચે મંગળવારે પથ્થરમારો થયો હતો, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પૂર્વ સંધ્યાએ શરૂ થયેલા તોફાનો ઈદના તહેવારે પણ ચાલુ રહ્યા હતા, જેમાં એક ડઝનથી વધુ ગાડીઓના કાચ તૂટયા હતા અને પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડવા પડયા હતા.વધુમાં આ તોફાનોમાં પોલીસે ૫૦થી વધુની ધરપકડ કરી છે અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
રાજસ્થાનના જોધપુરમાં સોમવારે રાત્રે ઝાલોરી ગેટ ચોક પર સ્વતંત્રતા સેનાની બાલમુકંદ બિસ્સા સર્કલ પર પરશુરામ જન્મોત્સવ પ્રસંગે બે દિવસ પહેલાં ભગવા ઝંડા અને બેનર લગાવાયા હતા. દરમિયાન ઈદ પૂર્વે સોમવારે મોડી રાત્રે કેટલાક મુસ્લિમ યુવકોએ સર્કલ પર ભગવા ઝંડા અને બેનર હટાવીને તેમના ઈસ્લામિક ચિહ્નના ઝંડા અને લાઉડ સ્પીકર લગાવી દીધા હતા. આ માહિતી મળતા હિન્દુ યુવકો ત્યાં પહોંચ્યા હતા અને બંને જૂથો વચ્ચે બોલાચાલી પછી પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટના થઈ હતી, જેમાં અનેક લોકોને ઈજા થઈ હતી.ઘટનાની જાણ મળતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે બેકાબૂ ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને વિસ્તારને ખાલી કરાવી નાંખ્યો હતો.વધુમાં અફવા ન ફેલાય તે માટે રાત્રે એક વાગ્યાથી જ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી હતી.જોકે, થોડાક સમય પછી ઈદગાહ રોડ પરથી મોટી સંખ્યામાં હથિયારો સાથે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. આ ઉપદ્રવીઓનો સામનો કરવા માટે પોલીસે ફરી ટીયર ગેસના શેલ છોડયા.આ પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

આ તણાવ વચ્ચે મંગળવારે સવારે શહેરમાં ઈદની નમાજ થઈ હતી. ત્યાર પછી ફરી પથ્થરમારો શરૂ થયો હતો.બીજીબાજુ ઉપદ્રવીઓએ દેખાવો કરતા ભાજપના ધારાસભ્ય વ્યાસના ઘર બહાર ટુ-વ્હિલર સળગાવી દીધા હતા. તોફાનોની આ ઘટનાઓ પછી પોલીસે ૧૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યૂ લગાવી દીધો છે, જે ૪થી મે રાત સુધી ચાલુ રહેશે.
બીજીબાજુ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.પોલીસે શહેરમાં હિંસા ફેલાવવાના આરોપમાં અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.અન્ય ઉપદ્રવીઓની શોધ ચાલુ છે.દરમિયાન આ તોફાનો હજુ માંડ શાંત થયા હતા ત્યાં નાગૌરમાં ઈદની ઊજવણી મુદ્દે એક જ સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર પછી પથ્થરમારો થયો હતો.

જોધપુરમાં તોફાનો અંગે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે.કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે મુખ્યમંત્રી ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું કે, જોધપુર સળગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી જન્મદિને ગુલદસ્તા લેવામાં વ્યસ્ત હતા.આ સાથે ભાજપે મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરી હતી.બીજીબાજુ કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલે જોધપુર હિંસાને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું.દરમિયાન મધ્ય પ્રદેશના ખરગૌનમાં રામનવમીએ બે જૂથો વચ્ચે તોફાનો થયા પછી મંગળવારે અક્ષય તૃતિયા, પરશુરામ જન્મોત્સવ અને ઈદના તહેવાર હોવાથી તંત્ર અસમંજસમાં હતું.એવામાં શાંતિ સમિતિની લાંબી બેઠક પછી કરફ્યૂ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો.વધુમાં શહેરમાં શાંતિ જાળવી રાખવા આરએએફ અને ક્યુઆરએફ સહિત અર્ધપોલિસ બળના ૧૩૦૦થી વધુ જવાનો તૈનાત કરાયા હતા.

Share Now