વડોદરા,તા. 4 મે 2022,બુધવાર : લોભામણી વાતો કરી ઓનલાઇન છેતરપિંડીના અવારનવાર બની રહ્યા હોવા છતાં હજી લોકો આસાનીથી ઠગ ટોળકીની જાળમાં ફસાઈ રહ્યા છે. આવા જ એક કિસ્સામાં વડોદરાના શ્રમજીવીએ રૂ 2.77 લાખ ગુમાવ્યા છે.શહેરના વાડી શાસ્ત્રી બાગ નજીક વુડાના મકાનમાં રહેતા અને શેરડીના રસનું કોરું ચલાવતા નાજુક ઇંગ્લેએ પોલીસને કહ્યું છે કે, તા પહેલી એપ્રિલે મારા ઉપર હેપી ન્યૂ યરનો ફોન આવ્યો હતો.અને KBC વિભાગમાં તમારો નંબર સિલેક્ટ થયો છે તેમ કહી 25 લાખની લોટરીની વાત કરી હતી.
આ રકમ લેવા માટે મુંબઈના એસબીઆઇના આકાશ વર્મા નામના એક અધિકારીનો નંબર આપવામાં આવ્યો હતો. જેના ઉપર સંપર્ક કરતા તેમણે બેંક એકાઉન્ટમાં 25 લાખ જમા કરાવવા માટે દસ્તાવેજો મંગાવ્યા હતા તેમ જ રૂ.12,100 ટેકસ ભરવા એક નંબર આપ્યો હતો.આ નંબર ઉપર રકમ ટ્રાન્સફર નથી થતા ફરીથી ફોન કર્યો હતો જેથી એસબીઆઇના અધિકારીએ બીજો નંબર આપ્યો હતો અને તેમાં રકમ ટ્રાન્સફર કરી હતી.ત્યારબાદ ઠગ ટોળકીએ તમારા સેવિંગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ શકે તેમ નહીં હોવાનું કઈ કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે રૂ 40 હજાર ભરવા કહ્યું હતું.નાજુક ઇંગ્લેએ કહ્યું છે કે, આ રકમ ભરપાઈ કર્યા બાદ ફરીથી ફોન આવ્યો હતો અને મોદીજીની સહી વાળુ સર્ટિફિકેટ લેવું પડશે જેથી કોઈ ઇન્કવાયરી નહીં થાય તેમ કહી બીજા સવા લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.મારી પાસે રકમની વ્યવસ્થા ન હોવાથી ઉછીના રૂપિયા લઇ રકમ ટ્રાન્સફર કરી હતી.ત્યારબાદ ફરીથી ટોળકીનો ફોન આવ્યો હતો અને લોટરીની વિધિનું લાઈવ પ્રસારણ કરવું પડશે તેમ કહી બીજા 95 હજારની માગણી કરી હતી.મેં ગામડામાંથી દવાખાનાના મે રૂપિયા મંગાવી ટ્રાન્સફર કર્યા હતા.આમ જુદા જુદા બતાવી ટોળકીએ મારી પાસે કુલ 2.77 લાખ પડાવી લીધા હતા.બનાવ અંગે સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.