નવી દિલ્હી, તા. 04 મે 2022, બુધવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોપનહેગન(Copenhagen)ના ડેનમાર્કની મહારાણી (Queen of Denmark) માર્ગ્રેથે-2 (Margrethe II) એમાલિનબોર્ગ પેલેસ ખાતે આયોજિત રાત્રીભોજનમાં હાજરી આપી હતી.આ સત્તાવાર રાત્રિભોજન વડાપ્રધાન મોદીના યુરોપ પ્રવાસના બીજા દિવસની છેલ્લી ઘટના હતી.દિવસની શરૂઆતમાં વડાપ્રધાન મોદી કોપનહેગન પહોંચ્યા હતા અને તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસેન (Mette Frederiksen) સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.અહીં બંને નેતાઓએ પારસ્પરિક વેપાર અને પર્યાવરણ પર કાર્યવાહી જેવા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને મળ્યા હતા અને બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
ત્યાદબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને અહીં બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.વાટાઘાટોમાં પુનઃપ્રાપ્ય ઉર્જા, ખાસ કરીને ઓફશોર વિન્ડ પાવર અને ગ્રીન હાઈડ્રોજન તેમજ કૌશલ્ય વિકાસ, આરોગ્ય, શિપિંગ, પાણી અને આર્કટિકના ક્ષેત્રોમાં સહકાર સંબંધિત વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. બંનને દેશો વચ્ચે કુલ 9 કરારો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.સાંજે વડાપ્રધાન મોદીએ ડેનમાર્કના વડા પ્રધાનની સાથે કોપનહેગનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. ડેનમાર્કમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ સહિત ભારતીય સમુદાયના 1000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી.વડાપ્રધાન મોદી પેરિસ જતા પહેલા બુધવારે બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.વડાપ્રધાન મોદી પેરિસમાં ફરીથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.