વડોદરા,સિનિયર સિટિઝન સાથે તેના ભાગીદારે જમીન લઇ પ્લોટ પાડી વેચ્યા હતા.તેના હિસાબમાં ગોટાળા કરી ૬૫ લાખની છેતરપિંડી કરી હતી.ત્યારબાદ સિનિયર સિટિઝન વ્યાજખોરોના ચક્કરમાં ફસાયા હતા.પાણીગેટ પોલીસે આ કેસમાં મૃતકના મિત્ર સહિત બે ની ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, યોગેન્દ્રસિંહ રાણા આજવારોડ પાણીગેટ ટાંકીની બાજુમાં આવેલા ગાયકવાડ કંપાઉન્ડમાં રહે છે.તેઓ ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના જણીયાદરા ગામે ખેતી સંભાળતા હતા.ગત તા.૨૦ મી માર્ચે તેમણે ઝેરી દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તા.૨૩ મી એ અવસાન થયું હતું.સ્યૂસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, મિત્ર વિલાસ ઘાડગેએ ૬૫ લાખની છેતરપિંડી કરી હતી.અને ત્યારબાદ તેઓ વ્યાજખોરોના ચક્કરમાં ફસાયા હતા.પાણીગેટ પોલીસે આરોપી વિલાસ રાવસાહેબ ઘાડગે ઉ.વ.૬૨ (રહે.આનંદભવન, પોલોગ્રાઉન્ડની સામે) તથા ખ્યાતિ પંડયાની ધરપકડ કરી હતી.ખ્યાતિ પંડયા આગોતરા જામીન સાથે હાજર થઇ હોય તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી દેવામાં આવી હતી.આ ગુનામાં હજી આરોપી શંકર ઉર્ફે સંજય,બિરેન પટેલ અને ચકાભાઇ સુખડિયાને પકડવાના બાકી છે.