હેરાત,4 મે 2022,બુધવાર : દુનિયાના દેશો ભલે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોને માન્યતા ન આપતા હોય પરંતુ તેનાથી કોઇ જ ફર્ક પડતો નથી.તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધની જાહેરાત અફઘાનિસ્તાનના પ્રગતિશીલ ગણાતા હેરાત શહેરમાં કરવામાં આવી છે.5.92 લાખની વસ્તી ધરાવતું હેરાતએ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતની રાજધાની છે.જે ખોરાસાન ક્ષેત્રનો એક ભાગ છે.સિલ્ક રુટ પર આવેલું આ સિટી વેપાર અને વાણીજયનું મહત્વનું કેન્દ્ર રહયું છે.ભારત, ચીન પશ્ચિમી દેશો સાથેનો વેપાર હેરાતથી થતો હોવાથી તે બીજા શહેરો કરતા અલગ પડે છે.તાલિબાન અધિકારીઓએ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવાની સૂચના આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક સમયનો અત્યંત પ્રગતિશિલ ગણાતા અફઘાનિસ્તાનમાં મહિલાઓ પુરુષની સમકક્ષ જીવન જીવતી હતી.તેની અસરથી મોટા શહેરોમાં રહેતી મહિલાઓ ડ્રાઇવિંગ કરતી હોય તે સામાન્ય વાત છે.હેરાત શહેરનું કલ્ચર ઘણું ઉદાર ગણવામાં આવે છે તેના પર પણ તાલિબાનીઓના પ્રતિબંધનો પંજો પડયો છે.
હેરાતની ડ્રાઇવિંગ સ્કૂલ ચાલકોનું કહેવું છે કે હવેથી મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ નહી આપવા મૌખિક સૂચના આપવામાં આવી છે પરંતુ મહિલાઓ જાહેર રસ્તા પર વાહન ચલાવે કે નહી તે બાબતે કોઇ જ માહિતી નથી.તાલિબાની શાસકો સ્થાનિક વહિવટીતંત્રમાં રહેલા રુઢિવાદીઓને મહિલાઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મુકવાની છુટ આપીને ખૂશ રાખે છે.બદનામીના ડરથી સેન્ટ્રલ લેવલે કોઇ જ સુચના અપાતી નથી પરંતુ સ્થાનિક તંત્રના મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના પ્રતિબંધ સામે આંખ આડા કાન કરે છે.તાલિબાનીઓએ તેમના બે દાયકા પહેલાના શાસનની સરખામણીમાં ઉદારવાદી અને નરમ રહેવાની તથા મહિલાઓ સાથે સારો વ્યહવાર કરવાની જાહેરાત કરી હતી તેનો સરેઆમ ભંગ થઇ રહયો છે.તાલિબાનીઓ 6 ધોરણ ઉપરની વિધાર્થીનીઓના સ્કૂલ જવા પર પ્રતિબંધ મૂકેલો છે.શરુઆતમાં તાલિબાનીઓએ છોકરીઓને સ્કૂલ જતી અટકાવવામાં નહી આવે તેવી જાહેરાત કરી હતી.