શિર્ડી-ત્ર્યંબકેશ્વરના મંદિરોમાં લાઉડ સ્પીકર વગર જ થઇ કાકડ આરતી

155

મુંબઈ : મહારાષ્ટ્રમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવાના મનસેના આંદોલનને પગલે આજે વહેલી પરોઢે ત્ર્યંબકેશ્વર અને શિરડી સાંઈબાબા ખાતે કાકડ આરતીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થયો ન હતો. મનસેના આંદોલનને પગલે હિંદુઓએ આ દિવસ જોવાનો વારો આવ્યો છે એમ કહી સંજય રાઉતે રાજ ઠાકરે પર પ્રહાર કર્યા હતા.જોકે, ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે શિવસેનાના વડપણ હેઠળની સરકારમાં મંદિરો પરથી લાઉડ સ્પીકર હટી ગયાં પરંતુ મસ્જિદો પરથી હટાવી શકાતાં નથી.પરોઢિયે કાકડ આરતીમાં અનેક મંદિરોમાં માત્ર થોડાક ભક્તો હાજર હોય છે.પણ લાઉડ સ્પીકરથી પરિસર અને ગામના લોકો કાકડ આરતીના સાક્ષીદાર એટલે હાજર હોય એવું અનુભવતા હોય છે.આજે કાકડ આરતી વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરાતાં અનેક હિંદુઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ કહ્યું હતું કે શિવસેના સરકારે પોતે જ પોતાની નિષ્ફળતા કબૂલી છે.તેઓ હિંદુ મંદિરો પરથી લાઉડ સ્પીકર ઉતરાવી શક્યા છે પરંતુ આવી કડકાઈ મસ્જિદો માટે દાખવી શક્યા નથી.તેમણે કહ્યું હતું કે આજે વાસ્તવમાં હિંદુઓ માટે કાળો દિવસ છે કારણ કે મસ્જિદોમાં રાબેતા મુજબ લાઉડ સ્પીકર પરથી અઝાન થઇ છે પરંતુ મંદિરોના લાઉડ સ્પીકર બંધ છે. બાળા સાહેબ હિંદુ હૃદય સમ્રાટ હતા પરંતુ તેમના પુત્ર ઉદ્ધવે હિંદુત્વને છેહ આપ્યો હોવાનું આજે ફરી એક વખત સાબિત થઈ ગયું છે.

Share Now