નવી દિલ્હી, તા. 06 મે 2022, શુક્રવાર : દિલ્હીમાં ટૂંક સમયમાં જ ધારાસભ્યોના વેતનમાં વધારો થવા જઈ રહ્યો છે.કેન્દ્ર સરકારે ધારાસભ્યોના વેતનમાં વધારા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.હાલ તમામ ધારાસભ્યોને તમામ ભથ્થાઓના ઉમેરા બાદ પ્રતિમાસ 54,000 રૂપિયા મળે છે.જ્યારે નવા વધારા બાદ ધારાસભ્યોને પ્રતિમાસ 90,000 રૂપિયા મળવા લાગશે.ધારાસભ્યોને હાલ બેઝિક સેલેરી પ્રતિમાસ 12,000 રૂપિયા મળે છે જેને વધારીને 20,000 રૂપિયા કરી દેવામાં આવશે.સાથે જ તમામ ભથ્થાઓ ઉમેરીને પગાર 54,000થી 90,000 રૂપિયા કરી દેવામાં આવશે.દિલ્હી સરકારે અગાઉ વર્ષ 2015માં કેન્દ્રને આ અંગેનો પ્રસ્તાવ મોકલ્યો હતો જે નામંજૂર થયો હતો.આ તરફ દિલ્હી વિધાનસભા અધ્યક્ષના કહેવા પ્રમાણે કેન્દ્ર તરફથી જે પ્રસ્તાવ મળ્યો છે તેમાં ઘણી કાપકૂપ થયેલી છે.
વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લે વર્ષ 2011માં ધારાસભ્યોનો પગાર વધારવામાં આવ્યો હતો. ત્યારે 11 વર્ષ બાદ પગારમાં આટલો ઓછો વધારો યોગ્ય નથી. તેમના કહેવા પ્રમાણે દિલ્હીના ધારાસભ્યોને અન્ય રાજ્યોની સમાન પગાર અને ભથ્થા મળવા જોઈએ.જાણવા મળ્યા મુજબ કેન્દ્રની મંજૂરી બાદ દિલ્હી વિધાનસભામાં હવે આગામી સત્રમાં ધારાસભ્યોના પગારવધારાનું બિલ લાવવામાં આવશે.દિલ્હી સરકારે અગાઉ વર્ષ 2015માં ધારાસભ્યોના વેતન વધારાનો કાયદો દિલ્હી વિધાનસભામાં પાસ કરાવીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો જેનો કેન્દ્રએ અસ્વીકાર કર્યો હતો.કેન્દ્ર સરકારે તે સમયે ધારાસભ્યોના વેતન અને ભથ્થા અંગે કેટલાક સૂચનો પણ આપ્યા હતા.ત્યાર બાદ હવે તેના આધાર પર જ દિલ્હી કેબિનેટે ઓગષ્ટ 2021માં તેના પર મહોર મારી હતી અને પ્રસ્તાવને ફરી કેન્દ્ર પાસે મોકલી આપ્યો હતો જેને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે.
ઉત્તરાખંડ- 1.98 લાખ
હિમાચલ પ્રદેશ- 1.90 લાખ
હરિયાણા- 1.55 લાખ
બિહાર- 1.30 લાખ
રાજસ્થાન- 1,42,500
તેલંગાણા- 2,50,000
આંધ્ર પ્રદેશ- 1,25,000
ગુજરાત- 1,05,000
ઉત્તર પ્રદેશ- 95,000
દિલ્હી- 90,000