કીવ,5 મે,2022, ગુરુવાર : યુક્રેન યુધ્ધ યુક્રેનની બરબાદી ઉપરાંત રશિયાની સૈન્ય ખુવારી માટે પણ ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે.રશિયા આને યુધ્ધ કે આક્રમણ નહી પરંતુ મિલિટરી ઓપરેશન (સૈન્ય કાર્યવાહી) ગણે છે પરંતુ તેને જે જનરલો અને સૈનિકો ગુમાવ્યા છે તે કોઇ યુધ્ધમાં ગુમાવ્યા નથી.એક માહિતી મુજબ રશિયાએ 70 દિવસમાં 12 જેટલા આર્મી જનરલ અને 15000થી વધુ આર્મીમેન યુધ્ધમાં ગુમાવ્યા છે.રશિયન ટેંકોને અમેરિકા દ્વારા મળેલી જવેલિન મિસાઇલે પણ ખૂબ પરેશાન કરી છે.600થી વધુ ટેંકો રશિયાએ ગુમાવી છે.વધતી જતી સૈન્ય ખુંવારીના કારણે જ રશિયાએ પોતાની યુદ્ધ વ્યૂહ રચનામાં ફેરફાર કરવો પડયો છે.રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા ઇચ્છતું હતું પરંતુ સૈન્ય ખુંવારીના પગલે જ ઓપરેશન ધીમુ કરવાની ફરજ પડી હતી.વાસ્તવિકતા એ છે કે આટલી ખુંવારી વેઠવા છતાં હજુ સુધી પરીણામ મળ્યું નથી. સૌ કોઇ જાણે છે યુક્રેન અમેરિકા,યૂરોપ અને નાટો દેશોનો ટેકો ધરાવે છે.ખાસ કરીને દુનિયામાં સૌથી પાવરફૂલ ગણાતા અમેરિકાએ રશિયાના જનરલોને મોતને ઘાટ ઉતારવામાં મોટી ભૂમિકા ભજવી છે.યુક્રેનને રશિયન સૈન્ય ગતિવિધીની પળે પળની માહિતી અમેરિકાએ પુરી પાડી હોવાનું બહાર આવ્યું છે.અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં અમેરિકી અધિકારીઓને ટાંકીને પ્રકાશિત માહિતી મુજબ અમેરિકાએ યુક્રેનને રશિયાના મોબાઇલ સૈન્ય મુખ્યાલય અંગે રિયલ ટાઇમે સટિક માહિતી આપી હતી.એવું માનવામાં આવે છે કે આ માહિતી પછી જ યુક્રેનની આર્ટિલરી ગન દ્વારા રશિયન જનરલોને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે.