ભાવનગર : ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ફીક્સ પગારદાર તરીકે ફરજ બજાવતા ૪૦ જેટલા સ્ટાફ નર્સને છેલ્લા સાતેક માસથી પગારનું એક ફદિયું ચુકવવામાં આવ્યું નથી.ભાવનગરથી લઈ ગાંધીનગર સુધી કર્મચારીઓએ રજૂઆત કરી પરંતુ તેમને માત્ર ૧૫ દિવસમાં થઈ જશે તેવું ખોટું આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે.સાત માસથી પગાર ન મળતા સ્ટાફ નર્સની આર્થિક સ્થિતિ એટલી ડામાડોળ થઈ ચુકી છે કે, ઘર ચલાવવા અને મકાન ભાડા ચુકવવાના ફાંફાં પડી રહ્યા છે.
સર ટી.હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯ની નર્સિંગ બેેંચમાં ૫૫ અને ૨૦૨૧માં ૧૭૧ સ્ટાફ નર્સ (વર્ગ-૩)ની ફીક્સ પે અંતર્ગતની નિમણૂક કરવામાં આવી હતી.આ બન્ને બેંચમાં જેઓને પ્રથમ દિવસે અને ઉંચા રેન્ક-ઉંચા મેરીટ સાથે નિમણૂક મળેલી છે તેવા ૩૮ મહિલા અને ૦૨ પુરૂષ સહિત ૪૦ નર્સિંગ સ્ટાફને ગત ઓક્ટોબર મહિનાથી પગારનું ચુકવણું કરવામાં આવ્યું હતું.પ્રથમ એક-બે માસ તો સ્ટાફ નર્સના કર્મચારીઓએ જેમ-તેમ કરીને કાઢી નાંખ્યા પરંતુ સમય વિતતા આર્થિક ભીંસ પણ વધવા માંડી હતી.જેથી પોતાના હક્કનો પગાર મેળવવા માટે તમામ કર્મચારીઓએ ભાવનગર જિલ્લા કલેક્ટર, સર ટી. જનરલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, તબીબી અધિક્ષક, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, આરોગ્ય કમિશન, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી, નાણાંમંત્રી, તકેદારી આયોગ, શિક્ષણ મંત્રી વગેરેને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી ૪૦ કર્મચારીને પગાર મળ્યો નથી.પગાર અટકવાનું કારણ પૂછવામાં આવે તો અલગ-અલગ બહાના આગળ ધરી દરેક રજૂઆત સમયે ૧૫-૧૫ દિવસના ઠાલા વાયદા આપી સમજાવી દેવામાં આવે છે.
મોંઘવારીના સમયમાં ફિક્સ પગારના નર્સિંગ સ્ટાફને સાતેક માસથી પગાર નથી મળ્યો.જેના કારણે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ખીરદી કરવામાં, મકાન ભાડા ચુકવવામાં , લોનના હપ્તા, બાળકોના શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં હાડમારી વેઠવી પડી રહી છે.ત્યારે નર્સિંગ સ્ટાફનું બાકી પગારનું ચુકવણું વહેલીતકે કરવામાં આવે તેવી માંગણી છે.ઉલ્લેખનિય છે કે, નર્સિંગ સ્ટાફે કોરોના કપરાકાળમાં જીવની બાજી લગાવી માનવિય ફરજ બજાવી હતી.પરંતુ હવે સરકારી તંત્ર તેમની આર્થિક મુશ્કેલીના સમયમાં પગાર કરવામાં માનવતા ચુકી રહ્યું હોવાનો વસવસો તેમણે ઠાલવ્યો હતો.