મેડ્રિડ, તા.૫ : સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ક્લે કોર્ટના કિંગ નડાલે ત્રણ સેટના સંઘર્ષ બાદ ૬-૩, ૫-૭, ૭-૬ (૧૧-૯)થી બેલ્જીયમના ગોફિનને હરાવીને મેડ્રિડ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.નડાલને ત્રણ કલાક અને નવ મિનિટ સુધી સંઘર્ષ કરવો પડયો હતો.તેણે ચાર મેચ પોઈન્ટ બચાવતા ૧૬મી વખત મેડ્રિડ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.અગાઉ બ્રિટનનો એન્ડી મરે ફૂડ પોઇઝનિંગને કારણે ખસી જતાં વર્લ્ડ નંબર વન સર્બિયન ખેલાડી યોકોવિચે મેડ્રિડ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.હવે ક્વાર્ટર ફાઈનલમાં યોકોવિચની ટક્કર પોલેન્ડના હુર્કાઝ સામે થશે.હુર્કાઝે સર્બિયાના લાજોવિચની સામે ૭-૫, ૬-૩થી જીત હાંસલ કરતાં અંતિમ આઠમાં એન્ટ્રી મેળવી હતી.
છઠ્ઠો સીડ ધરાવતા રશિયાના રુબ્લેવે સીધા સેટોના મુશ્કેલ મુકાબલામાં બ્રિટનના ઈવાન્સની સામે ૭-૬ (૯-૭), ૭-૫થી જીત હાંસલ કરી હતી.જ્યારે ચોથો સીડ ધરાવતા સિત્સિપાસે બલ્ગેરિયાના ડિમિટ્રોવને ૬-૩, ૬-૪થી હરાવી અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો.ઝ્વેરેવ સામેની મેચમાં ઈટાલીનો મુસેટી ૩-૬, ૦-૧થી પાછળ હતો, ત્યારે ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો.જ્યારે આલિયાસિમે ૬-૧ ,૬-૨થી સિનરને હરાવ્યો હતો.વિમેન્સ સિંગલ્સમાં આઠમો સીડ ધરાવતી ટયૂનિશિયાની જાબેઉરે એલેક્ષાન્ડ્રોવા સામે ૬-૨, ૬-૩થી જીત હાંસલ કરતાં ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.આ સાથે તે ડબલ્યુટીએ ૧૦૦૦ સિરિઝની ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ આફ્રિકન મહિલા ખેલાડી બની હતી.