વડોદરા ,તા. 6 મે 2022,શુક્રવાર : કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ કાર્યરત એસપીવી કંપનીની અવધિ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી કોર્પોરેશન હવે સ્માર્ટ સિટી કંપનીને આગામી વર્ષ 2023-24ના બજેટમાંથી ફાળો નહીં આપી કોઈ પણ કામ આરસીબી બજેટમાંથી સ્પીલ ઓવર ન કરવા સૂચન કર્યું છે.
કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્થાયી સમિતિ અને સામાન્ય સભા નો છેદ ઉડાવી નાખ્યો છે.જેથી કામોની મંજુરી ન લેવી પડે અને બારોબાર નિર્ણય થઈ જાય.સ્માર્ટ સિટીની કંપની એસપીવીમા કલેકટર ,પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે.જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષનો નામ ખાતર સમાવેશ કર્યો છે.ખાસ કરીને શહેરના પ્રથમ નાગરિક મેયરનું પણ આ કંપનીમાં કોઈ સ્થાન નથી.જે દુઃખદ બાબત છે.વિકાસમાં વિરોધ ન થાય જેથી જે તે સમયે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.પરંતુ સભામાં આ બાબતની લાગણી વ્યક્ત કરી હતી.
વર્ષ 2016 દરમિયાન સ્માર્ટ સિટી માટે એસપીવી કંપનીને મંજૂરી આપવામાં આવી હતી.પાંચ વર્ષ માટે ભારતના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ મંજૂરી આપી હતી.સ્માર્ટ સિટીમાં એરિયાબેઝ્ડ ડેવલોપમેન્ટમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ ચારરસ્તાથી હેવમોર ચાર રસ્તા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જે વિસ્તાર આજે પણ અગાઉની માફક જ છે.સ્કાડા સિસ્ટમ નિષ્ફળ નીવડી છે.સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ પડતો મુકાયો છે.આ ઉપરાંત પણ અન્ય પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા છે.ત્યારે હવે માર્ચ મહિના દરમિયાન સ્માર્ટ સિટી કંપનીની મુદત પૂર્ણ થઇ ગઇ છે. જેથી હવે સ્માર્ટ સિટી હેઠળ નવું ડાયરેક્શન આવે તો સભાની મંજૂરી અર્થે દરખાસ્ત અનિવાર્ય રહેશે.કંપનીની અવધિ પૂર્ણ થતાં હવે આગામી વર્ષ 2023-24ના બજેટમાંથી સ્માર્ટ સિટીને ફાળો આપવો નહીં.અને જોબ ફાળો આપવાનો થાય તો સામાન્ય સભાની મંજૂરી જરૂરી રહેશે.