ઉધમપુર, તા.૬ : અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી વિદાય લેતી વખતે જે હથિયારો અને સાધનો છોડી ગયા હતા તે હવે જમ્મુ-કાશ્મીરના આતંકીઓના હાથમાં પહોંચી ગયા હોવાનો ઉત્તરીય કમાન્ડના કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ દાવો કર્યો હતો.વધુમાં તેમણે કહ્યું કે પીઓકેમાં આતંકીઓના ૬ મોટા, ૨૯ નાના કેમ્પ સક્રિય છે.ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યના તાજેતરના કેટલાક ઓપરેશનમાં એમ-૪ રાઈફલ મળી હતી, જે મેડ ઈન અમેરિકા છે.અમને કેટલીક નાઈટ વિઝન ડિવાઈસ પણ મળી છે, જે મેડ ઈન યુકે અને મેડ ઈન ચીન છે.તેનો અર્થ એ છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના કેટલાક ઈક્વિપમેન્ટ આવ્યા છે.તેના ઉપયોગ માટે આતંકીઓને તાલિમ મળી હોવી જોઈએ. અમારો પ્રયાસ છે કે આતંકીઓ હોય ત્યાં ઉપકરણો ના પહોંચે અને ઉપકરણો હોય ત્યાં આતંકીઓ ન પહોંચે અને અમને આ પ્રયાસોમાં સફળતા પણ મળી છે.તેમણે ઉમેર્યું હતું કે, સરહદ પારથી કોઈપણ ઘૂસણખોરી રોકવા માટે અમારી એન્ટી ઈનફિલ્ટ્રેશન ગ્રીડ મજબૂત છે.હાલ પીઓકેમાં અંદાજે ૬ મોટા અને ૨૯ નાના આતંકી કેમ્પો સક્રિય છે.ત્યાં અનેક અસ્થાયી લોન્ચ પેડ પણ છે.જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમ છતાં ૨૦૦ આતંકીઓ પાકિસ્તાની સરહદમાંથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે.હાલ કાશ્મીર ખીણમાં માત્ર ૪૦-૫૦ સ્થાનિક આતંકીઓ હોઈ શકે છે.વિદેશી આતંકીઓની સંખ્યા અંગે કશું કહી શકાય તેમ નથી.પરંતુ છેલ્લા ૧૦-૧૧ મહિનામાં અમે ૨૧ વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે.