અનંતનાગ, તા.૬ : જમ્મુમાં કોરોનાકાળના બે વર્ષ પછી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સમર્થીત આતંકીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.જોકે, પહેલગામમાં સલામતી દળોએ હિઝબુલ મુજાહિદ્દિનના સૌથી જૂના આતંકી અશરફ મૌલવી સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો કે તેમણે અમરનાથ યાત્રા પર હુમલાનું કાવતરું ઘડયું હતું.અનંતનાગના બટકૂટ પહેલગામ વિસ્તારના પૂર્વમાં સ્થિત સિરચન ટોપના જંગલ વિસ્તારમાં સલામતી દળો સાથેની એક અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકીઓ અમરનાથ યાત્રાના માર્ગ નજીકના વિસ્તારમાં છુપાયા હતા.અથડામણના સ્થળે હજુ પણ એક-બે આતંકીઓ જીવતા હોવાનું સૂત્રોનું કહેવું છે.આથી, સલામતી દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કર્યું છે અને હજુ અથડામણ ચાલુ છે.
સુરક્ષા દળોનું કહેવું છે કે ગાઢ જંગલ હોવાના કારણે એન્કાઉન્ટરમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. તેથી અહીં આતંકીઓની નિશ્ચિત સંખ્યા અંગે અંદાજ થઈ શક્યો નથી. આતંકીઓ વૃક્ષોનો લાભ ઊઠાવીને થોડા થોડા સમયે સલામતી દળો પર ગોળીબાર કરી રહ્યા છે.સૂત્રો મુજબ જંગલમાં છુપાયેલા આ આતંકીઓને અમરનાથ યાત્રા પર હુમલો કરવાની જવાબદારી સોંપાઈ હતી, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધી છે.કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ અમરનાથ યાત્રા ૩૦મી જૂનથી શરૂ થઈ રહી છે, જેમાં આ વર્ષે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે.કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે, અશરફ મૌલવી હિઝબુલ મુજાહિદ્દિનના સૌથી જૂના આતંકીઓમાંનો એક હતો.અમરનાથ યાત્રાના માર્ગ નજીક આ ઓપરેશન સલામતી દળો માટે મોટી સફળતા છે.દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પ્રખ્યાત ટુરીસ્ટ રિસોર્ટ છે અને તે અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પની પણ સુવિધા પૂરી પાડે છે.
દરમિયાન જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાંથી સલામતી દળોએ લશ્કર-એ-તોયબાના એક હાઈબ્રિડ આતંકી અને તેના સાથીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આતંકીઓની હિલચાલની ચોક્કસ બાતમીના આધારે બારામુલ્લાના હિલટોપ ચેરાદરી નજીક સલામતી દળોએ ચેક પોઈન્ટ બનાવ્યા હતા.ચેકિંગ દરમિયાન બે શકમંદ વ્યક્તિઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, તેમને ઝડપી લેવાયા હતા.પકડાયેલા આતંકીઓમાં આશિક હુસૈન લોન અને ઉઝૈર આમિન ગનીનો સમાવેશ થાય છે.બીજીબાજુ હરિયાણાના કરનાલમાંથી પંજાબ પોલીસે શુક્રવારે આકાશ દીપ સિંહ ઉર્ફે આકાશ અને જશનપ્રીત સિંહ ઉર્ફે જસની વિસ્ફોટકો સાથે ધરપકડ કરી હતી.આ બંને આતંકીઓ તાજેતરમાં જ હરિયાણામાંથી પકડાયેલા ચાર ખાલિસ્તાની આતંકીઓ સાથે સંડોવાયેલા હોવાનું મનાય છે.ફિરોઝપુરના એસએસપી ચરણજિત સિંહે જણાવ્યું કે, આકાશદીપ ગુરપ્રીતનો ડ્રાઈવર હતો.ગુરપ્રીતની ગુરુવારે કરનાલમાંથી જ અન્ય ત્રણ કથિત આતંકીઓ સાથે ધરપકડ થઈ હતી.