પ્રયાગરાજ, તા.૬ : ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો વિવાદ વધતો જાય છે.બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.રાજ્યમાં ઊંચા અવાજે વગાડવામાં આવતા લાઉડ સ્પીકર ઉતારવામાં આવી રહ્યા છે.આવા સમયે આ વિવાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો તો લાઉડસ્પીકરની તરફેણ કરનારા લોકોને ત્યાં પણ મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે મસ્જિદો પર લાઉડસ્પીકર લગાવવા એ મૌલિક અધિકાર નથી.આ સાથે હાઈકોર્ટે લાઉડસ્પીકર લગાવવા સંબંધિ અરજી ફગાવી દીધી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળોમાં પૂજા-ઈબાદતનો અવાજ પરિસર સુધી જ મર્યાદિત રાખવા આદેશ આપ્યો છે.ત્યાર પછી ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી લાઉડ સ્પીકરો મુદ્દે દબાણ બનાવાયું છે.પરિણામે રાજ્યમાં લાઉડસ્પીકર મુદ્દે રાજકારણ ગરમાયું છે.તાજેતરમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ લાઉડસ્પીકરનો મુદ્દો ઊઠાવ્યો હતો.આ તમામ વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો આદેશ સામે આવ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે મસ્જિદો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ મૌલિક અધિકાર અને બંધારણીય અધિકાર નથી.બે જજોની બેન્ચે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની અરજી આ આદેશ સાથે ફગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશમાં એકબાજુ લાઉડસ્પીકર વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે.બીજીબાજુ લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી માગવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને મોટા પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહ્યો છે.હકીકતમાં આ કેસ ડિસેમ્બર ૨૦૨૧નો છે.બદાયુંના બિસૌલી ગામમાં એક મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાનની માગથી સંબંધિત અરજી એસડીએમને કરાઈ હતી.૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ એસડીએમે લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.એસડીએમના આદેશ વિરુદ્ધ ઈરફાને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.ઈરફાનની અરજી પર ગુરુવારે જસ્ટિસ વી.કે. બિરલા અને જસ્ટિસ વિકાસે નકારી કાઢી હતી.જોકે, બંને જજોએ કહ્યું કે, હવે એ સ્થાપિત થઈ ગયું છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી.
લાઉડસ્પીકર સંબંધિત અરજી ભલે ડિસેમ્બર ૨૦૨૧ની હોય, પરંતુ હજુ પણ આ વિવાદ ગરમાયેલો છે.હુમાન જન્મોત્સવના પ્રસંગે દિલ્હીમાં થયેલી હિંસા પછી લાઉડસ્પીકર વિરુદ્ધ અભિયાન તિવ્ર કરાયું છે.યોગી આદિત્યનાથ સરકારે બધા જ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા અથવા અવાજ ધીમો કરવાનો આદેશ આપ્યો છે.અવાજ ધીમો નહીં કરનારી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.એવામાં અનેક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે.મુખ્યમંત્રી યોગીએ નિશ્ચિત માપદંડોથી વધુ અવાજમાં લાઉડસ્પીકર નહીં વગાડવાનો આદેશ આપ્યો છે.દરમિયાન મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરથી થરનારી અઝાન અંગે મુસ્લિમ ધર્મગુરુઓએ મોટો નિર્ણય કર્યો છે.તેમના નિર્ણય મુજબ હવે સવારની અઝાન લાઉડસ્પીકર વિના જ કરાશે.મુંબઈની પ્રખ્યાત સુન્ની મોટી મસ્જિદ મદનપુરા અને મિનારા મસ્જિદમાં લાઉડસ્પીકર વિના જ સવારની અઝાન કરાઈ હતી.દક્ષિણ મુંબઈની અંદાજે ૨૬ મસ્જિદોના ધર્મગુરુઓએ સુપ્રીમના આદેશોનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો.