સ્લીપ સોલ્યુશનની સર્વિસ આપતી ભારતીય કંપની વેકફિટે એક નવો ચીલો પાડયો છે.તમામ કર્મચારીઓને બપોરે ૩૦ મિનિટ સ્લીપિંગ બ્રેક આપવાની જાહેરાત કરી છે.તેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધતી હોવાનું કંપનીના સ્થાપકે કહ્યું હતું.અનિદ્રાથી પીડાતા લોકોને પૂરતી ઊંઘ મળે તે માટે સર્વિસ આપતી ભારતની સ્ટાર્ટઅપ કંપની વેકફિટે તમામ કર્મચારીઓને બપોરે ૩૦ મિનિટ ઊંઘ કરવાની વ્યવસ્થા અને બ્રેક આપ્યો છે.કંપનીના સ્થાપક ચૈતન્ય રામલિંગગૌડાએ વિદેશી સંશોધનોને ટાંકીને કહ્યું હતું કે કામની વચ્ચે થોડી મિનિટો ઊંઘ કરી લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કર્મચારીઓની કાર્યક્ષમતા પણ વધે છે.બપોરે બ્રેક દરમિયાન ૨૬ મિનિટની ઊંઘ કરવાથી ૩૩ ટકા કાર્યક્ષમતા વધી જાય છે.કંપનીએ કર્મચારીઓને બેથી અઢી દરમિયાન સ્લીપિંગ બ્રેક આપ્યો છે.૩૦ મિનિટ સુધી કર્મચારીઓ ઓફિસમાં પાવરનેપ લઈ શકશે.કંપનીએ ૩૦ મિનિટ નેપ બ્રેક ફોર એમ્પલોઈઝ એવરી ડે નામથી એક પ્રોજેક્ટ શરૃ કર્યો છે.કંપનીએ એ માટે એક સારો તકિયો, શાંત ઓરડો, અને યોગ્ય વાતાવરણ આપવાની જાહેરાત કરી છે.કંપની માને છે કે આ પહેલથી તમામ કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.કંપનીએ તમામ કર્મચારીઓને ઈ-મેઈલ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. એવા ઈ-મેઈલ ઘણાં કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.ઊંઘ બાબતે સર્વિસ આપતી કંપનીની આ પહેલને સોશિયલ મીડિયામાં લોકોએ આવકારી હતી.