કોલોમ્બો, તા.૬ : આર્થિક કટોકટીમાં ઘેરાયેલા શ્રીલંકામાં સરકાર વિરોધી દેખાવો સતત વધી રહ્યા હોવાથી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેએ પાંચ સપ્તાહમાં બીજી વખત શુક્રવારે મધરાતથી જ કટોકટી લાદવાની જાહેરાત કરી છે.આ સાથે તેમણે સલામતી દળોને દેખાવો ડામવા માટે સંપૂર્ણ સત્તા આપી છે.રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વેપારી સંગઠનોએ કથળતી જતી આર્થિક કટોકટી મુદ્દે તેમના રાજીનામાની માગણી સાથે શુક્રવારે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કર્યા પછી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આકરા કાયદા લાદવાનો નિર્ણય કર્યો છે.અગાઉ, શુક્રવારે પોલીસે શ્રીલંકાની સંસદ ઘેરવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડયા હતા અને વોટર કેનનો મારો કર્યો હતો.મહિનાઓથી અંધારપટ, ખાદ્ય, ઈંધણ અને દવાઓની અછતના કારણે લોકોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે.