રાજકોટમાં છતે પાણીએ રવિવારે 3 લાખ લોકોને પાણીકાપનો ડામ

133

રાજકોટ, : રાજકોટમાં ટેન્કર યુગનો અંત આવ્યો છે અને પાણીપ્રશ્નમાંથી લોકોને મુક્તિ મળી છે તેવી સ્વપ્રશસ્તિ કરતા નેતાઓ કદિ થાક્યા નથી પરંતુ, વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ જ્યાં 600 કરોડના ખર્ચે 24 કલાક પાણીની યોજના દસ વર્ષથી કાગળ પર છે તે રાજકોટમાં દૈનિક 20 મિનિટ પાણી પણ નિયમિત અઅપાતું નથી.રવિવાર તા. 8ના વધુ એક વાર માત્ર લાઈન તૂટયાના કારણ સાથે ઢેબરરોડ અને ગોંડલરોડ પરના શહેરના સેન્ટ્રલ ઝોનમાં 3 લાખ લોકોને બળબળતા ઉનાળામાં પાણીકામનો ડામ દેવાયો છે. મનપા સૂત્રો અનુસાર રાજકોટના ગુરૂકુળ ઝોનમાં જ્યાંથી પાણી આવે છે તે 900 મિ.મિ.વ્યાસની મુખ્ય પાઈપલાઈન ભાદર ડેમ નજીક નવાગામ લિલાખા ગામ વચ્ચે ભંગાણ થયું છે જેના કારણે ભાદર ડેમથી પાણી મળે તેમ ન હોય તા. 8ના ગુરૂકૂળ અને વાવડી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ રહેશે.

બીજી તરફ આજે પણ મનપાએ પાણીચોરીનું ચેકીંગ જારી રાખીને 23 ડાયરેક્ટ પમ્પીંગના કેસો પકડી પાડીને રૂ।. 21,250ની પેનલ્ટી વસુલાઈ હતી અને ફળિયુ ધોવા પાણી બગાડતા લોકોને પણ દંડ કરાયો હતો.પરંતુ, પાણીચોરીના આ રોજિંદા ચેકીંગ વચ્ચે કમિશનર,નાયબ કમિશનરો, મેયર,ચેરમેન, વોટરવર્ક્સ ચેરમેન સહિતના સત્તાધીશો વોટરવર્ક્સ વિભાગમાં કામચોરીનું ચેકીંગ કરતા નથી.વાસ્તવિકતા એ છે કે સરકારે સૌની યોજનાથી આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી ઠાલવી દીધું છે, ભાદર ડેમમાં આરામથી ચાલે એટલું પાણી સંગ્રહિત છે અને છતાં આ પાણી લોકો સુધી પહોંચાડવા નક્કર આયોજન સાથે વ્યવસ્થા કરવાને બદલે છાશવારે પાણીકાપ ઝીંકાય છે. આજે પુનિતનગર ઓવરહેડ ટાકા પાસે કે જ્યાં મીટરથી પાણીની વાતો થાય છે તે શહેરમાં ટેન્કરથી પાણીનું વિતરણ થતું હતું, અને વાસણમાં પાણી ભરવા લોકોની કતારો લાગી હતી.આજે પણ શહેરમાં 25,000 લોકો ટેન્કર પર આધારિત છે, મતલબ, ટેન્કર યુગ હજુ પૂરો થયો નથી.

Share Now