રાજકોટ જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ, વિંછીયાનાં ગામોમાં સ્થળાંતરની નોબત

129

રાજકોટ, : આકરા ઉનાળાનાં આશરે દોઢેક મહિનાનો સમયગાળો કાપવાનો છે ત્યારે રાજકોટ જિલ્લાનાં અનેક ગામોમાં પીવાનાં પાણીની ફરિયાદો સતત વધી રહી છે ખાસ કરીને અંતરિયાળ ગામોમાં જૂથ પાણી યોજનાઓ નથી ત્યાં ટેન્કરો ચાલુ કરવાની માગણીઓ આવી રહી છે.વિંછીયા અને જસદણ તાલુકામાં સૌથી વધુ વિકટ સ્થિતિ ઉભી થઈ રહી છે કેટલાક ગામોમાં પાણી માટે વાડી વિસ્તારમાં માલધારીઓને સ્થળાંતર કરવુ પડયુ હોવાની નોબત આવી છે.રાજકોટ જિલ્લાનાં મોટા રપ ડેમોમાં હવે ૩પ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે જયારે ચેકડેમો અને તળાવો ખાલીખમ પડયા છે.મોટા ભાગનાં ડેમોનાં તળીયા દેખાઈ ગયા છે.દરમિયાન વિંછીયા તાલુકા પંચાયતનાં પ્રમુખનાં જણાંવ્યા મુજબ હડમતીયા, ઓરી, લાખાવડ, રેવાણીયા, રૂપાવટી, ઢેઢુકી સહિતનાં ગામોમાં પીવાનાં પાણીની ભારે તંગી ઉભી થઈ છે.જૂથ યોજનામાં આ ગામોને 15 – 20 દિવસે પાણી મળી રહયુ છે અને એ પણ અપુરતું મળે છે.ગામડાઓમાં ટેન્કરો તાત્કાલિક દોડાવવાની માગણી કરવામાં આવી છે.સમઢીયાળા ગામમાં પાઈપ લાઈન નંખાઈ ગઈ છે પણ પાણી મળતુ નથી.હાથસણી સહિતનાં કેટલાક ગામોમાં માલધારીઓને પાણી માટે સ્થળાંતર કરવુ પડયુ હોવાનું પણ જાણવા મળ્યુ છે.પાણી પ્રશ્ન હલ કરવા પાણી પુરવઠા બોર્ડને રજુઆત કરવામાં આવી છે.

દરમિયાન રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં દર સપ્તાહે પાણી સમિતિની બેઠક મળે છે તેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવે છે.સતાવાર સુત્રોએ જણાંવ્યુ હતું કે હાલ રાજકોટ જિલ્લાનાં ત્રણ તાલુકામાં મળીને 13 ગામોમાં પાણીનાં ટેન્કરો દોડાવવામાં આવે છે તેમાં રાજકોટ તાલુકામાં 10 , લોધિકામાં બે અને જસદણ તાલુકાનાં એક ગામનો સમાવેશ થાય છે.રાજકોટ જિલ્લામાં નવા ભળેલા ગામોમાં ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે બામણબોરમાં સૌથી વધુ 11 ફેરા કરવામાં આવે છે.

Share Now