જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ

150

વીરપુર (જલારામ) ગત તા. 1 એપ્રિલથી જેતપુર પીઠડિયા ટોલબૂથના કોન્ટ્રાકટર બદલાયા બાદ જલદી નાણાવસૂલી કરવાની લ્હાયમાં લોકો પાસેથી પૈસા ખંખેરવા લાગ્યા છે. એક નિયમ એવો છે કે ટોલબુથ આસપાસના ગામોને આર.સી.બુકના આધારે સ્થાનિક વાહન ગણીને માત્ર દસ રૂપિયા જ ટોલ વસુલવો જોઈએ પણ અહી નવા કોન્ટકટરના માણસો દાદાગીરી કરીને સ્થાનિક ગ્રામ્યવિસ્તારના વાહન ચાલકો પાસેથી રૂ. 40 કે 80 રૂપિયાની વસુલાત કરતા હોવાથી લોકોમાં હોબાળો મચી ગયો છે.જો ટેકસ ન આપે અને કોઈ નિયમ બતાવે તો એનો મોબાઈલ ફોન પણ આંચકી લે છે.

હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે સાંઈઠ કિલોમીટરમાં બે ટોલ બૂથ ન હોઈ શકે આમ છતા સાંઈઠ કિલોમિટરની રેન્જમાં ભરૂડી-ભુણાવા ટોલનાકુ અને બીજુ પીઠડિયા ટોલનાકુ આવેલુ છે.જેમાંથી ભૂણાવા ભરૂડી ટોલનાકુ હટાવી દેવાને બદલે ત્યાં હાલ ટોલ ટેકસ વસુલાય છે.ટોલપ્લાઝાના પરપ્રાંતીય અને સ્થાનિક કર્મચારીઓ દાદાગીરી કરે છે.ટેકસ ચૂકવનારાઓ સાથે ગેરવર્તન કરે છે.તેમજ મારામારી પર ઉતરી આવે છે.

જયારે જુના કોન્ટ્રાકટર હતા ત્યારે નિયમાનુસાર ટોલપ્લાઝાની નજીકની રેન્જના ગામોના વાહનોને ફકત રૂ. 10ની જવસુલાત કરતા હતા.આ નવા કોન્ટ્રાકટરે નિયમોને નેવે મૂકીને આડો આંક વાળી દીધો છે.અને ચાર ગણી વધુ વસુલી કરે છે.અગાઉ ગોમટા, વીરપુર,પીઠડિયા, કાગવડ, ખોડલધામ, થોરાળા સહિતના ગામોને ફકત દસ રૂપિયા જ ટોલટેકસ ચૂકવવામાં આવતો હતો.આ માટે વાહન ધારકે આર.સી.બૂક બતાવવાની રહેતી એના આધારે એના ગામની વિગત મળી જતી હતી જેથી ખરાઈ કરીને આ સવલત અપાતી હતી.આ બાબતે હાઈવે ઓથોરિટી નવા કોન્ટ્રાકટર સામે લગામ નહી કસે તો ગ્રામજનતાના આંદોલન કરશે.

Share Now