
નવી દિલ્હી, તા.૮ : ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગયા સપ્તાહે કાળઝાળ ગરમી અને લૂ ઓછી થવાથી લોકોને થોડીક રાહત મળી હતી.જોકે, સોમવારથી ફરી એક વખત ઉત્તર ભારતમાં ભીષણ ગરમી શરૂ થવાની શક્યતા છે.બીજીબાજુ હવામાન વિભાગે ઓડિશા, આંધ્ર પ્રદેશ, બંગાળમાં ‘અસાની’ ચક્રવાતની ચેતવણી આપી છે.આ ચક્રવાતના પગલે ઓડિશા સહિતના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગરમ હવા ચાલવાની સાથે તાપમાન વધી રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એક વખત તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ભારતના રાજ્યોમાં લૂથી જનજીવન પર અસર પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના વિદર્ભના કેટલાક ભાગોમાં ૧૧મી મે સુધી લૂ ચાલવાની શક્યતા છે.મધ્ય પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા અને પૂર્વી રાજસ્થાનમાં ૯મી અને ૧૧મી મેના રોજ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજસ્થાનમાં રવિવારે પણ હીટવેવની સ્થિતિ હતી.બાંસવારા ૪૬.૫ ડિગ્રી સે. સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું.બારમેરમાં પણ પારો ૪૬.૩ ડિગ્રી સે.ને પાર થઈ ગયો હતો.એ જ રીતે બિકાનેર, શ્રીગંગાનગર અને જેસલમેરમાં મહત્તમ તાપમાન ૪૫.૫ ડિગ્રી સે. નોંધાયું હતું.અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર રહ્યું હતું.પશ્ચિમી ઓડિશામાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સે.થી ઉપર રહ્યું હતું.રાજ્યમાં ભુવનેશ્વર સહિત અનેક સ્થળો પર તાપમાન ૪૦ ડિગ્રીથી ઊંચું નોંધાયું હતું.
જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ અંદામાન સાગરમાં સોમવારે નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાયા પછી ૧૦મી મે સુધીમાં આંધ્ર પ્રદેશ-ઓડિશાના સમુદ્ર કિનારે ટકરાવાની શક્યતા છે.હવામાન વિભાગે તોફાન અંગે ચેતવણી આપી દીધી છે.અસાની ચક્રવાતનો સામનો કરવા માટે ઓડિશામાં એનડીઆરએફની ૧૭ ટીમ, ઓડીઆરએફની ૨૦ ટીમ અને ફાયર ફાઈટર્સની ૧૭૫ ટીમોને હાઈએલર્ટ પર રખાઈ છે.ચક્રવાતના કારણે ઓડિશામાં સોમવારે ભારે વરસાદની શક્યતા છે.વધુમાં બિહારમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે.પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.