અફઘાનિસ્તાનમાં તાલિબાની નેતાઓએ અસલી રંગ બતાવ્યો છે.તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુંદજાદાએ ફરમાન છોડયું છે કે મહિલાઓ બહાર નીકળે ત્યારે પગથી માથા સુધી બુરફો પહેરીને નીકળે અને ઈસ્લામની પરંપરાનું પાલન કરે.આ આદેશનું પાલન ન કરનારી મહિલાના પતિને કે પિતાને સજા ફટકારવામાં આવશે.તાલિબાનના પ્રમુખ હિબતુલ્લા અખુંદજાદાના આદેશ પછી કાબુલમાં તાલિબાન સરકારી અધિકારીઓએ આદેશ જારી કર્યો છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓએ પગથી માથા સુધીનો બુરખો પહેરવો ફરજિયાત છે.આખું શરીર ઢાંકે એવો ચદોરી પ્રકારનો બુરખો પહેર્યા વગર મહિલાઓ બહાર નીકળી શકશે નહીં.આદેશનું પાલન ન કરનારી મહિલાઓના પતિ કે પિતાને સજા થશે એવી પણ તાલિબાને જાહેરાત કરી છે.તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું તે પછી મુસ્લિમ યુવતીઓને સ્વતંત્રતા આપવાની વાતો કરી હતી.સમય પ્રમાણે પરિવર્તન લાવવામાં આવશે અને કન્યા કેળવણી તરફ ધ્યાન અપાશે એવું પણ કહેવાયું હતું.દુનિયાને દેખાડવા ખાતર મોર્ડન થવાની વાત કરનારા તાલિબાની નેતાઓએ હવે અસલી રંગ બતાવ્યો છે.પહેલાં છોકરા-છોકરીને એક જ શાળામાં ન ભણવાની તાકીદ કરી હતી. મહિલાઓએ એકલાં બહાર ન નીકળવાનો આદેશ અગાઉ આપ્યો હતો. થોડા સમય પહેલાં મહિલાઓને ડ્રાઈવિંગ લાઈસન્સ ન આપવાની પણ જાહેરાત થઈ હતી. પતિ-પિતા કે ભાઈની સાથે જ મહિલાઓ બહાર નીકળે તેવું ફરમાન થયા પછી હવે મહિલાઓને પગથી માથા સુધી ઢંકાય એવા કપડાં પહેરીને જ બહાર નીકળવાનું નવું ફરમાન જારી થયું છે.
તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લા અખુંદજાદાના આદેશ પછી કાબુલમાં સરકારી અધિકારીઓએ નવું ફરમાન જાહેર કર્યું હતું.હિબતુલ્લાએ કહ્યું હતું ઈસ્લામની પરંપરાનું પાલન કરીને મહિલાઓ ચદોરી પ્રકારનો આખો બુરખો પહેરે તે યોગ્ય છે.તાલિબાન સરકારના ધાર્મિક વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે જે મહિલાઓ આ નવા આદેશનું પાલન નહીં કરે તેના પતિ-પિતા કે ભાઈને સરકારી નોકરીમાંથી બરતરફ કરાશે.જો વારંવાર આવું થશે તો તેમને જેલ પણ થઈ શકે છે.સૌથી આદર્શ પોશાક વાદળી રંગનો બુરખો હોવાનું પણ કહેવાયું હતું.
અગાઉ પણ તાલિબાની સરકારે બનાવેલી ધાર્મિક પોલીસે અફઘાનિસ્તાનના શહેરોમાં મહિલાઓને બુરખો પહેરવાના પોસ્ટર્સ લગાવ્યા હતા.૧૯૯૬થી ૨૦૦૧ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ હતું.એ વખતે પણ મહિલાઓની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ હતી.તે વખતે પણ તાલિબાની સરકારે બુરખો ફરજિયાત કર્યો હતો.