બોઈસરની કંપની પર પોલીસ કાફલા પર હુમલો

118

મુંબઇ : પાલઘરમાં બોઇસરમાં એક કંપનીમાં યુનિયનના વિવાદને લીધે જોરદાર અથડામણ થતા પથ્થરમારો, વાહનોની તોડફોડ કરાતા ૧૯ પોલીસને ઇજા થઈ હતી.પોલીસનાં ૧૨ વાહનોને નિશાન બનાવાયાં હતાં.પોલીસને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા લાઠીચાર્જ કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.આ મામલામાં ૨૭ જણની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.કંપનીના પરિસરમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેને લીધે આ પરિસર પોલીસ છાવણીમાં ફરેવાય ગયો હતો

બોઇસર પોલીસ સ્ટેશનના એપીઆઇ સાળુંખેએ જણાવ્યું હતું કે બોઇસર એમઆઇડીસીમાં આવેલી સ્ટીલ કંપની અને મુંબઈ લેબર યુનિયન વચ્ચે ઘણા સમયથી વિવાદ શરૂ હતો.આ પ્રકરણે કોર્ટમાં કેસ પણ શરૂ છે.કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, પણ યુનિયનના અન્ય કર્મચારીએ આનો વિરોધ કર્યો હોવાનું કહેવાય છે.કંપનીમાં ઘૂસી ગઈ કાલે સાંજે તેમણે તોડફોડ શરૂ કરી હતી.કંપનીમાં ભારે નુકસાન થયું હતું.આ બનાવ બાદ પોલીસે કર્મચારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસ અને તમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.લોકોએ પોલીસના અને અન્ય વાહનનની તોડફોડ કરી હતી.આથી તંગદિલી ફેલાય ગઈ હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો.

પથ્થરમારમામાં ૧૭ પોલીસ કર્મચારી અને બે પોલીસ ઓફિસરને ઈજા થઈ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.દરમિયાન ગંભીર ઈજા થતા સારવાર માટે સાત પોલીસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ પ્રકરણે પોલીસે કેસ દાખલ કર્યો છે.પોલીસે ૨૭ જણની ધરપકડ કરી છે.જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે.કંપનીમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ બનાવ બાદ સિનિયર પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Share Now