યુક્રેનથી પાછા ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ દેવાના ચક્કરમાં ફસાયા

141

મુંબઈ : રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મેડિકલ શિક્ષણ છોડી દેનારા ૨૨,૫૦૦ વિદ્યાર્થીઓના વાલીઓ પૈકી કેટલાકે લીધેલી લોનની રકમ રૂા. ૧૨૧.૫૧ કરોડ જેટલી છે.આ લોનના હપ્તાની ચુકવણી બાબતે વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે.યુદ્ધ અચાનક આવી પડવાને કારણે વિદ્યાર્થીઓએ મેડિકલ શિક્ષણ અધવચ્ચેથી મુકી દેવું પડયું છે પણ દેવાનો બોજ યથાવત રહ્યો છે.આ સ્થિતિમાં લોનના હપ્તાઓની વસુલી કેવી રીતે કરવી તેના માટે બેન્કો દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ નિમવામાં આવી છે એવી માહિતી કેન્દ્રિય અર્થ રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડે આપી છે.

પોતાના સંતાનો ડોકટર બને તેના માટે હજારો વાલીઓએ લોન લઈને તેમને યુક્રેન ભણવા મોકલ્યા હતા. ભારતના મેડિકલ શિક્ષણથી પણ ઓછા ખર્ચમાં યુક્રેનમાં મેડિકલ શિક્ષણ મળતુ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ ત્યાંની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. એક માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨૧ ખાનગી બેન્કો દ્વારા રૂા. ૧૨૧ કરોડની લોન આપવામાં આવી હતી.છેલ્લા કેટલાક મહિનાથી આ વિદ્યાર્થીઓના શિક્ષણ હજી પાટે ચડયા નથી.યુક્રેનની કેટલીક યુનિવર્સિટી દ્વારા હજી પણ ઓનલાઈન શિક્ષણ સુવિધા અપાઈ રહી છે.

યુક્રેનથી જાલના પાછા ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે મધ્યમ વર્ગના હોવા છતાં મેડિકલ શિક્ષણ માટે લોન લીધી હતી.હવે આ લોનના હપ્તા ચુકવવા ભારે પડી રહ્યા છે. જો યુદ્ધ બંધ થાય તો જ યુક્રેન પાછા ફરી શકાય એમ છે.પણ હાલ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે.આમ આ વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણથી વંચિત રહ્યા છે અને છતાં તેમને શૈક્ષણિક લોનના હપ્તા ચુકવવા પડી રહ્યા છે.એવા સમયે પ્રશાસન તેમને રાહત આપવા કેવા પગલા લે છે તેની રાહ વિદ્યાર્થીઓના વાલીઓ જોઈ રહ્યા છે.

Share Now