દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ધબડકો : ચેન્નાઈ સુપર કિંગ્સનો ૯૧ રનથી આસાન વિજય

166

મુંબઈ, તા.૮ : કોન્વેના ૪૯ બોલમાં ૮૭ રન બાદ મોઈન અલીએ માત્ર ૧૩ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે ૯૧ રનથી આસાન જીત હાંસલ કરી હતી.જીતવા માટેના ૨૦૯ના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ માત્ર ૧૧૭ રનમાં ખખડી ગઈ હતી.મિચેલ માર્શે ૨૫ અને ઠાકુરે ૨૪ રન કરતાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.ચેન્નાઈએ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં આઠમું સ્થાન મેળવ્યું છે.જ્યારે દિલ્હીની પ્લે ઓફની આશાને મોટો ફટકો પડયો છે.

અગાઉ કોન્વેએ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારતાં નોંધાવેલા ૪૯ બોલમાં ૮૭ રનની મદદથી ચેન્નાઈએ દિલ્હી સામે છ વિકેટ ૨૦૮ રન ફટકાર્યા હતા. કોન્વેનો સાથ આપતાં ગાયકવાડે ૩૩ બોલમાં ૪૧ અને દુબેએ ૧૯ બોલમાં ૩૨ રન નોંધાવ્યા હતા.જ્યારે ધોનીએ ૮ બોલમાં અણનમ ૨૧ રન ફટકારતાં સ્કોરને ૨૦૦ને પાર પહોંચાડયો હતો.નોર્ટ્જેએ ત્રણ વિકેટ ઝડપી હતી.દિલ્હીના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટિંગમાં ઉતાર્યું હતુ.ગાયકવાડ અને કોન્વેની જોડીએ ઝંઝાવાતી બેટીંગ કરતાં ૬૭ બોલમાં ૧૧૦ રનની ભાગીદારી કરી હતી.નોર્ટ્જેએ ગાયકવાડને આઉટ કર્યો, પણ ચેન્નાઈના બોલરોને રાહત મળી નહતી.કોન્વેએ એક છેડેથી આક્રમક બેટીંગ જારી રાખી હતી.તેની સાથે જોડાયેલા શિવમ દુબેએ પણ બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.કોન્વે-દુબેએ ૩૩ બોલમાં ૫૯ રન ફટકારતાં જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો.જે પછી ધોનીએ નિર્ણાયક બેટિંગ કરતાં ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડી હતી.

Share Now