નવી દિલ્હી, તા.9 મે ,સોમવાર,2022 : બંગાળની ખાડીમાં ઉઠેલુ ચક્રવાત ‘અસાની’ ઉત્તર-પશ્ચિમ તરફ આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠાની નજીક આગળ વધી રહ્યું છે.મંગળવારે જ્યારે તે પશ્ચિમ-મધ્ય અને અડીને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચતા ઉત્તરપૂર્વ તરફ વળે અને ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ પહેલા ચક્રવાતને કારણે કોલકાતા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.જેના કારણે કોલકાતામાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી.હવામાન વિભાગે માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ન જવાની સલાહ આપી છે.માછીમારોને 9 અને 10 મેના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને 10 મેથી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે ચક્રવાત ‘આસાની’ની ઝડપ અને તીવ્રતા અંગેના પૂર્વામુમાનમાં કહ્યું કે, ચક્રવાતી તુફાન બુધવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધતુ રહેશે અને મંગળવારે સાંજથી વરસાદ થવાનુ કારણ બનશે.આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.10મી અને 12મી મે દરમિયાન અરુણાચલ પ્રદેશમાં અને 09-12મી મે દરમિયાન આસામ-મેઘાલય અને મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે.તો બીજી બાજુ 08-12 દરમિયાન રાજસ્થાનના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી સંભાવના દેખાઇ રહી છે.
હવામાન સંબંધિત તેની આગાહીમાં, IMD એ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 09 મેના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.બીજી તરફ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 9 થી 12મે સુધી અને દક્ષિણ હરિયાણા, દિલ્હી અને દક્ષિણ પંજાબમાં 10 થી 12મે દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.આ વાવાઝોડાના કારણે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ હરિયાણા, દિલ્હી અને દક્ષિણ પંજાબમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના સેવાઇ રહી છે.તટીય ઓડિશા અને ઉત્તર તટીય આંધ્રપ્રદેશના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ 10મી સાંજથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.11 મેના રોજ દરિયાકાંઠાના ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચક્રવાત ‘Aasani ‘ના કારણે ઝારગ્રામ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનો તેમનો ત્રણ દિવસનો પ્રવાસ એક સપ્તાહ માટે સ્થગિત કરી દીધો છે.જ્યારે મમતા બેનર્જી 10 થી 12 મે દરમિયાન બંને જિલ્લાની મુલાકાતે જવાના હતા.હવે આ મુલાકાત 17 થી 19 મેની વચ્ચે રહેશે.પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે, જિલ્લાઓને ચક્રવાતનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે, તેથી તેમની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે.