4 બાળકીઓની જાતીય સતામણીના આરોપી 72 વર્ષીય પડોશીને 10 વર્ષની કેદ

124

મુંબઈ : મુંબઈની વિશેષ પોસ્કો અદાલત દ્વારા પડોશમાં રહેતી ચાર બાળકીઓની જાતીય સતામણી કરવાના આરોપસર ૭૨ વર્ષીય આરોપીને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.વિશેષ પોસ્કો જજ સીમા જાધવે પીડિત બાળકીઓની જુબાની તથા તેના સમર્થનમાં રજૂ થયેલા તબીબી તપાસના અહેવાલને ે આધારે આ ચુકાદો આપ્યો હતો.સેન્ટ્રલ મુંબઈના કાલાચોકી વિસ્તારમાં ૨૦૧૮ની ૩૧મી જાન્યુઆરીએ આ બાળકીઓમાંની એક બાળકીની માતાએ પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમની બિલ્ડિંગના એ જ માળ પર રહેતા રહીશે તેમની સાત વર્ષની બાળકીની જાતીય સતામણી કરી છે.

માતાએ કહ્યું હતું કે બાળકી શાળાએથી પાછી આવ્યા બાદ બહાર રમવા નીકળી હતી.ત્યારે આ આરોપી તેમને પોતાના ઘરે લઈ ગયો હતો.બાદમાં બાળકીની મોટી બહેન તેને પાછી લઈ આવી હતી.ઘરે પાછા આવ્યા બાદ બાળકીએ જણાવ્યું હતું કે આ પડોશીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી તેની જાતીય સતામણી કરી હતી.બાળકીની વાત સાંભળી પરિવારે પડોશી સાથે તકરાર કરી હતી.તેણે પોતાના પરના આરોપો નકાર્યા હતા.પરંતુ ત્યારે બિલ્ડિંગની બીજી બાળકીઓએ પણ સામે આવીને કહ્યું હતું કે આ શખ્શે તેમની સાથે પણ એવો જ વ્યવહાર કર્યો છે.

આ અંગે જાણ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.આ કેસમાં ચાર બાળકીઓ સહિત આઠ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.બાળકીઓની જુબાની સાચી હોવાનું તેમની તબીબી તપાસના આધારે નક્કી થયું હતું.

Share Now