વડોદરા, : કામ બાબતે તકરાર થતા એક કોન્ટ્રાક્ટરની આંગળી પર બચકું ભરી લીધું હતું.તે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીને કસુરવાર ઠેરવીને ૬ મહિનાની કેદ કરી છે.ભાયલી રોડ પર નિલકંઠ બંગ્લોઝમાં રહેતા કોન્ટ્રાક્ટર અમરદીપસિંહ વિક્રમસિંહ રાણાએ ગત તા.૦૩-૧૨-૨૦૧૭ ના રોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,રાજમહેલ રોડ ગુંદા ફળિયા પાસે મારૃં કામ ચાલતું હતું.તે સમયે આરોપીઓ અરવિંદ ગોરધનભાઇ પ્રજાપતિ (રહે. આદિનાથ સોસાયટી, કારેલીબાગ) અને વેચાત ભોળિયાભાઇ રાઠવા (રહે.સૂરજનગર સોસાયટી, ન્યૂ સમા રોડ ) આવ્યા હતા.અને ધમકી આપી હતી કે,તમારે અહીંયા કામ કરવાનું નથી.તારા સુપરવાઇઝરને પણ કહી દેજો કે, સાઇટ પર આવે નહીં.તેઓ એકદમ મારા પર ઉશ્કેરાઇ ગયા હતા.તેઓ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.અરવિંદ પ્રજાપતિએ એકદમ ગુસ્સામાં આવીને મારા જમણા હાથની આંગળીના ટેરવા પર બચકું ભરી લીધું હતું.
આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી ગયો હતો.કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને ૬ મહિનાની કેદ તથા પ્રત્યેક આરોપીને એક હજારનો દંડ કર્યો છે.તેમજ ફરિયાદીને થયેલી ઇજા સંદર્ભે કોર્ટે પાંચ હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.