સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે ડૂબી જવાથી રાજકોટના યુવાનનું મોત

185

જૂનાગઢ : મેંદરડા તાલુકાના હરિપુરની સીમમાં આવેલા રિસોર્ટના સ્વીમીંગ પુલમાં ન્હાવા પડેલા રાજકોટના યુવાનનુ ડૂબી જવાથી મોત થયું હતું.જ્યારે કેશોદ નજીક ટ્રેન હડફેટે મૂળ બિહારના યુવાનનું મોત થયું હતું.વિસાવદરના દાદર ગામે ગળાફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું હતું.જ્યારે કેશોદના મેસવાણ ગામે કચરો સળગાવતા દાઝી જતા વૃધ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું.આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટની રેમ્બો રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ મનસુખભાઇ ઢોલરીયા (ઉ.વ.૪૨) મેંદરડા તાલુકાના હરિપુરની સીમમાં આવેલા પલ્સ ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં ન્હાવા પડયા હતા.આ દરમ્યાન તે સ્વીમીંગ પુલના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગે મેંદરડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મુળ બિહારના સીતામઢી જિલ્લાના મહથી ચંદોલીના અને હાલ કેશોદ તાલુકાના સોંદરડા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા કમલેશ વિનોદ તતમાં ઉ.વ. 24 રાત્રીના કોઈને કહ્યા વગર ગયા બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે વિસાવદર તાલુકાના દાદર ગીરમાં રહેતા દિનેશભાઇ કેશુભાઈ ખૂંટ ઉ.વ. 36ને અગાઉ કોરોના થઈ ગયો હતો.જેથી માનસિક બીમાર રહેતા હતા.રાત્રે ઊંઘ આવતી ન હતી.જેથી માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો હતો.આ અંગે વિસાવદર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત કેશોદ તાલુકાના મેસવાણની સીમમાં એકલા રહેતા દેવુબેન ભોજાભાઈ મક્કા ઉ.વ. 80 પુરાઈ ગયેલા કૂવામાં કચરો નાખી સળગાવી રહ્યા હતા.ત્યારે તેનો પગ લપસી જતા તેઓ ખાડામાં પડી જતા તેઓનું ઇજા થવાથી અને ચાલુ તાપમાં દાઝી જવાથી મોત થયું હતું.આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share Now