માતાથી છીનવાયેલી સ્તનપાન કરતી પુત્રીનું જનેતા સાથે મિલન કરાવાયું

241

મોરબી, રાજકોટ, : સંતાન માટેનો ઝૂરાપો માતાથી વિશેષ કોને હોય! અને, મધર્સ- ડે પર જ કોઈ માતાને વિખૂટું પડી ગયેલું બાળક પરત મળી જાય તો મધર્સ- ડે નિમિત્તની એનાથી બહેતર ગિફ્ટ પણ તેના માટે શું હોઈ શકે? ૧૮૧ અભયમ વધુ બે કિસ્સામાં આવી જ સ્નેહાળ પળોનાં સર્જનમાં ફરી એક વાર નિમિત્ત બની હતી.

વાત જાણે એમ બની કે વાંકાનેરમાં ત્રણેક વર્ષ પહેલાં પરણેલી મોરબીની એક યુવતી સાસરિયે નાની- નાની વાતે થતા ઝગડાથી કંટાળીને પિયર ચાલી આવી તો તેનો પતિ તેને પરત લઈ જવા તેના ઘેર પહોંચ્યો હતો પણ એ યુવતીએ સાસરે જવા અનિચ્છા દાખવી દેતાં પતિ આઠ માસની પુત્રીને પોતાની સાથે લઈને જતો રહ્યો હતો. હતાશ માતાએ ચિંતિત હાલતમાં ૧૮૧ને ફોન કરીને મદદ માગી, કેમ કે પુત્રી માત્ર સ્તનપાન આધારિત જ છે અને માતા વિના તેનો ઉછેર કઠિન બની જાય.૧૮૧ની ટીમ એ મહિલાને સાથે લઈને તેના સાસરીયે પહોંચી હતી, જ્યાં બંને પક્ષોનું કુશળતાથી કાઉન્સેલિંગ કરાયું હતું અને નાના- મોટા ઘરેલુ ઝગડા બાબતે સમાધાનકારી હલ લાવવામાં આવ્યો હતો.અલબત્ત, પતિએ કહ્યું કે પુત્રીને લઈ જવા પાછળનો તેનો આશય માત્ર એ હતો કે કંઈ નહીં તો છેવટે તેની ખાતર પણ પત્ની પાછી આવી જાય.જો કે, પત્નીએ થોડો સમય માગ્યો અને અંતે આઠ માસની પુત્રીને તેની માતાને પરત સોંપવામાં આવી હતી.

એ જ રીતે, ગોંડલ તાલુકાની પણ આવી જ એક પીડિતાએ ૧૮૧નો સંપર્ક સાધીને વિતક વર્ણવતાં કહ્યું કે ૧૬ વર્ષ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં તેના લગ્ન થયા હતા પણ પતિના વ્યસનને કારણે નાના-મોટા ઝગડા થતા હોવાથી તે છેલ્લા દસેક દિવસથી ત્રણ સંતાનોને લઈને પિયર ચાલી આવી છે.પતિ તેને પરત લેવા આવ્યો ત્યારે પોતે સાથે આવવાની ના પાડી દેતાં પતિ ત્રણેય સંતાનોને લઈને જતો રહ્યો છે.૧૮૧ ટીમે ફોન કરતાં જાણવા મળ્યું કે તેનો પતિ સુરેન્દ્રનગરની બસ માટે હજુ ગોંડલ બસ સ્ટેન્ડમાં જ રાહ જોતો ઊભો છે.તુરંત ત્યાં પહોંચીને પતિ- પત્ની બંનેને સાથે બેસાડી, કાઉન્સેલિંગ કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું.પતિએ એક તક આપવા વિનંતિ કરતાં પત્ની તેની સાથે જવા રાજી થઈ ગઈ અને સંતાનોને પણ માતાનો ઝૂરાપો સહેવાનો વખત આવતા રહી ગયો.

Share Now