કોલંબો : અભૂતપૂર્વ આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે.સરકાર વિરુદ્ધ લોકોમાં આક્રોશ એટલો બધો વધી ગયો છે કે મહિન્દા રાજાપક્સેએ સોમવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવા છતાં દેખાવકારો દ્વારા હિંસક દેખાવો થઈ રહ્યા છે.સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજધાની કોલંબોને આર્મીને હવાલે કરી દેવાયું અને દેશવ્યાપી કરફ્યૂ લાદવામાં આવ્યો છતાં સ્થિતિ નિયંત્રણમાં ના આવતા સંરક્ષણ મંત્રાલયે મંગળવારે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો છે.વધુમાં કરફ્યૂ ૧૨મી સુધી લંબાવાયો છે.બીજીબાજુ પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજાપક્સેએ પરિવાર સાથે કોલંબો છોડીને ભાગવું પડયું છે.
અસાધારણ આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરતા શ્રીલંકાના અનેક શહેરોમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે.પરિણામે સૈન્યને દેખાવકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે.બીજીબાજુ વિપક્ષે દેશમાં સરકાર વિરોધી શાંતિપૂર્ણ દેખાવોને હિંસક બનાવવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજાપક્સેની ધરપકડ કરવાની માગણી કરી છે.આખા શ્રીલંકામાં ચાર દિવસ પહેલા જ ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ હતી તેમ છતાં સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતાં સોમવારે દેશવ્યાપી કરફ્યૂ લાગુ કરાયો હતો.બીજીબાજુ હાલ સરકાર વિનાના શ્રીલંકામાં અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધનેએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેને તુરંત સંસદ બોલાવવા આગ્રહ કર્યો છે.ડોલરની અછત અને મોંઘવારી, ઈંધણ અને ગેસની અછત તથા કલાકો સુધી વીજકાપનો સામનો કરતાં લોકો ૩૧ માર્ચેથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારના વિરોધમાં દેખાવો શરૂ કર્યા હતા.
આર્થિક કટોકટીને પગલે સરકાર વિરુદ્ધ દેખાવો બંધ ના થતા અંતે મહિન્દા રાજાપક્સેએ સોમવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે, ત્યાર પછી રાજાપક્સેના ટેકેદારો અને સરકાર વિરોધી દેખાવકારો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક સાંસદ સહિત કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૨૫૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. સરકાર સમર્થક દેખાવોના હુમલાથી વધુ ગુસ્સે ભરાયેલા સરકાર વિરોધી દેખાવકારોએ કુરુનેગાલામાં મહિન્દા રાજાપક્સેનું પૈતૃક ઘર આગને હવાલે કરી દીધું હતું.આ સિવાય ટોળાએ કેટલાક નેતાઓના ઘર પણ સળગાવી દીધા હતા.ટોળાએ હંબનટોટાના મેડામુલાનામાં મહિન્દા-ગોટબાયા રાજાપક્સેના પિતાની યાદમાં બંધાયેલ ડી.એ. રાજાપક્સે મેમોરિયલ તોડી પાડયું હતું.
દેખાવકારોના આક્રોશના પગલે મહિન્દા રાજાપક્સેએ ભારે સુરક્ષા વચ્ચે પરિવાર સાથે કોલંબો છોડીને ત્રિંકોમાલીમાં નેવલ બેઝમાં શરણ લેવાની ફરજ પડી છે.રાજાપક્સેએ પત્ની શિરંથી અને સૌથી નાના પુત્ર રોહિતા અને તેમના પરિવાર સાથે મંગળવારે સવારે જ વડાપ્રધાનના સત્તાવાર નિવાસ ટેમ્પલ ટ્રીજથી હેલિકોપ્ટરમાં ત્રિંકોમાલી ભાગવું પડયું હતું.બીજીબાજુ એવા પણ અહેવાલ છે કે તેમના બીજા પુત્ર યોસિતા પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે.જોકે, રાજાપક્સે પરિવાર અને તેમના વફાદારો દેશ છોડીને ભાગી ના જાય તે માટે સરકાર વિરોધી દેખાવકારોએ બંડારનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ઠેરઠેર ચેકપોઈન્ટ્સ બનાવ્યા છે.વધુમાં મહિન્દા રાજાપક્સે ત્રિંકોમાલીમાં હોવાના અહેવાલોના પગલે મંગળવારે નેવલ બેઝ સામે દેખાવો શરૂ થઈ ગયા હતા.
દરમિયાન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેએ ટ્વિટર પર દેખાવકારોને હિંસા રોકવા અપીલ કરી હતી.તેમણે સરકાર સમર્થક કે વિરોધી દેખાવકારોને નાગરિકો સામે બદલાની કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી.તેમણે કહ્યું કે, બંધારણીય જનાદેશ અને સહમતી મારફત રાજકીય સ્થિરતા સ્થાપવા અને આર્થિક સંકટને દૂર કરવા માટે પ્રયાસ કરાશે.મહિન્દા રાજાપક્સેના અન્ય પુત્ર નમલે કહ્યું કે, તેમના પિતા દેશ છોડીને ભાગી ગયા હોવાની અફવાઓ ખોટી છે.તે સલામત જગ્યાએ છે અને દેશ છોડીને ક્યાંય ભાગશે નહીં.