નવી દિલ્હી, તા. 10 મે 2022, મંગળવાર : એક તબક્કે 750 ટકા જેટલો મોંઘવારીનો દર ભોગવી રહેલા ઝિમ્બાબ્વેમાં અત્યારે પણ ફુગાવો બહુ જ ઊંચો છે.માર્ચ મહિનામાં ફુગાવાનો દર 96.4 ટકા હતો.આ સ્થિતિથી ત્રસ્ત પ્રજાને રાહત આપવાના નામે સ્થાનિક સેન્ટ્રલ બેન્કે જે નિર્ણય લીધો છે તેની અસરથી હવે અર્થતંત્રને વધારે નુકસાન થશે, પ્રજા ઉપર વધારે બોજ આવી પડશે એવી દહેશત છે.રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેએ તાત્કાલિક અસરથી કોઈપણ બેંક કે નાણા સંસ્થા દ્વારા કોઈપણ સરકારી કે ખાનગી બીઝનેસ કે વ્યક્તિને આપવામાં આવતું ધિરાણ બંધ કર્યું છે.આ સિવાય હવેથી બેન્કોએ કોઈ ધિરાણ કરવાનુ નથી.જે ધિરાણ માટે જાહેરાત થઈ ગઈ છે તેના માટે કેસ આધારિત નિર્ણય લેવામાં આવશે.
તા.7 મે ના રોજ રાષ્ટ્રપતિ ઇ. ડી. મંગાગ્વાએ દેશના અર્થતંત્રને સ્થિરતા આપવા, સ્થાનિક પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા માટે વિવિધ આર્થિક પગલાં લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાધ ધિરાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ પગલાંથી હવે દેશમાં વ્યાપાર ચલાવવા માટે ઓવરડ્રાફ્ટ કે નવા રોકાણ માટે ટર્મ લોન કે ખરીદી માટે પર્સનલ લોન પણ મળતી બંધ થઈ જશે તો આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે ચાલશે અને અર્થતંત્રમાં પ્રવૃત્તિ કેમ આગળ વધશે એ એક સવાલ છે.
આ પગલું તો જ લેવામાં આવ્યું હોય કે જ્યારે એવા પુરાવા મળ્યા હોય કે બેન્કો પૈસા છાપી રહી છે, આ છાપેલા નાણા એક સરખી ચીજો ખરીદી રહ્યા છે અને ખરીદીના કારણે ફુગાવો વધી રહ્યો છે.સેન્ટ્રલ બેન્કના નિર્ણયની કેવી અસર આવશે, ફુગાવો ઘટે છે કે અર્થતંત્ર મંદીમાં સરી પડે છે એ તો આવનારો સમય જ કહેશે.