મુંબઈમાં છેલ્લા 5 વર્ષ દરમ્યાન ચક્ષુ દાનના કિસ્સામાં 70 ટકાનો ઘટાડો

108

મુંબઈ : મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આંખના દાનની સંખ્યામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે, એટલે કે ૨૦૧૭-૧૮માં ૧,૯૭૮ ચક્ષુ દાનની સરખામણીએ ૨૦૨૧-૨૨માં માત્ર ૫૮૯ ચક્ષુ દાન થયા હતા.અધિકારીઓએ એના માટે કોવિડ મહામારીનું કારણ આગળ ધર્યું હતું જેમાં બહુ ઓછા લોકો આંખનું દાન કરવા તૈયાર થયા હતા.જો કે ગયા વર્ષે એટલે કે ૨૦૨૦-૨૧માં માત્ર ૨૧૧ ચક્ષુ દાન થયા હતા.પાલિકાના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહામારી બાદ થયેલા કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટમાં ૭૦ ટકાનો ધરખમ ઘટાડો થયો છે જેના કારણે પ્રતિક્ષા યાદી વધુ લાંબી બની છે.તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડિસેમ્બરથી દેશભરમાં સ્વૈચ્છિક ચક્ષુ દાન પરથી પ્રતિબંધ હટાવી લીધા બાદ હવે ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, પણ અગાઉની સ્થિતિ પાછી મેળવવા હજી થોડો સમય લાગશે.

મુંબઈની અગ્રણી આંખની હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે આંખ બેન્કના કર્મચારીઓ અને લાભાર્થીઓના આરોગ્યની સુરક્ષા માટે આંખની બેન્કની સેવા સ્થગિત કરવામાં આવી હતી. પરિણામે હોસ્પિટલોમાં અને સ્વૈચ્છિક ચક્ષુ દાનની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો અને માગ તેમજ પૂરવઠા વચ્ચેનું અંતર વધી ગયું.આંખની બેન્કની સેવા ધીમે ધીમે અને તબક્કાવાર ચાલુ થઈ રહી છે.શહેરની અન્ય એક આંખની હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે કોર્નિયલ અંધત્વ માટે ચક્ષુ દાન જ એક ઉત્તમ ઉપાય છે.નોંધયનીય છે કે એક જ દાતા બે વ્યક્તિઓને કોર્નિયલ ટિશ્યુ દાન કરી શકે છે.

નિષ્ણાંતોના મતે એસઓપીનું ચુસ્ત અમલીકરણ, ચક્ષુ બેન્કના કર્મચારીઓ માટે સુરક્ષાત્મક પગલા, કર્મચારીઓની તાલીમ અને ચક્ષુ દાન કરનારા માટે સમાન માપદંડ જેવા પગલાથી ફરી સ્વૈચ્છિક ચક્ષુ દાનની સંખ્યા વધી શકે છે.મુંબઈ સ્થિત આંખના વિશેષજ્ઞાએ જણાવ્યું કે મહામારી શરૃ થવા અગાઉ મુંબઈ અને થાણે જેવા શહેરોમાં લાભાર્થીને કોર્નિયા ટિશ્યુ મહિના કરતા ઓછા સમયમાં મળી જતો હતો પણ હવે તેમણે બેથી ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે.

આંખની હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું કે મહામારી દરમ્યાન અમે માત્ર કોવિડ નેગેટિવ વ્યક્તિઓ પાસેથી જ ચક્ષુ દાન સ્વીકારતા હતા, પણ આ બાબતે સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન્સ જારી નથી કરાઈ.આથી હોસ્પિટલમાં મૃતક વ્યક્તિની સ્થિતિની જાણ હોવાથી અમે તેની આંખ મેળવી લેતા હતા.

Share Now