ગર્ભપાતની કીટનું ગેરકાયદે ઓનલાઇન વેચાણ કરવા પ્રકરણે રાજ્યભરમાં 13 એફઆઇઆર નોંધાઇ

124

મુંબઇ : ગર્ભપાતની કીટનું મોટે-પાયે ગેરકાયદે ઓનલાઇન વેચાણ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર એફડીએએ એમેઝોન સામે કાર્યવાહી કર્યા બાદ વધુ એક વેટપોર્ટલ પણ એફડીએના સપાટામાં આવી ગયું છે.મહારાષ્ટ્ર એફડીએએ મીશો.કોમ નામની એક ઇ કોમર્સ સાઇટ સામે ગેરકાયદે ગર્ભપાતની કીટ (એમટીપી)નું વેચાણ કરવાના આરોપસર મુંબઇ, થાણે, જલગાવ, કોલ્હાપુર, ઔરંગાબાદ અને નાગપુરના પોલીસ સ્ટેશન મળી કુલ ૧૩ એફઆઇઆર નોંધાવી છે.

આ ઇ કોમર્સ સાઇટ પર ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લેઆમ ગર્ભપાતની કીટનું વેચાણ કરવામાં આવતું હતું.આ પ્રકરણે ઇ-કોમર્સ સાઇટને આવી દવાની સપ્લાય કરનાર યુ.પી. અને દિલ્હીની કંપનીઓને પણ આ કાર્યવાહીમાં સાંકળી લેવામાં આવી છે.આ સંદર્ભે એફડીએને એવી ગુપ્ત માહિતી મળી હતી કે પુરુષ અને મહિલાઓ માટે બ્યુટી અને વેલનેસ પ્રોડકટનું વેચાણ કરતી ઉક્ત વેબસાઇટ પર ગેરકાયદે ગર્ભપાતની કીટનું વેચાણ કરવામાં આવે છે.આ માહિતીની ખરાઇ કર્યા બાદ એફડીએના અધિકારીઓએ બનાવટી ગ્રાહક બની રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગર્ભપાતની કીટ માટેનો ઓર્ડર આવ્યોહતો.અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે તેમને કોઇ પણ પ્રકારના ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર કુરિયરથી આ કીટ/દવા ડિલીવરી પણ ક રવામાં આવી હતી.

આ કીટનું ઉત્પાદન દેશની અગ્રણી ફાર્મા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે પણ આ દવાઓ વારાણસી, આગ્રા અને દિલ્હીની એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હોવાનું મળી આવ્યું હતું. ગર્ભપાતની દવા એટલે કે ‘એમટીપી કીટ’ એ શિડયૂલ એચ ડ્રગ હેઠળ આવતી હોવાથી તેનું વેચાણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન હેઠળ કરવું ફરજીયાત છે.તદુપરાંત એમટીપી એકર ૨૦૦૨ હેઠળ આ દવાનો ઉપયોગ હેલ્થ ફેસિલીટીમાં જાણકારના માર્ગદર્શન હેઠળ જ થવો જોઇએ.વેબ પોર્ટલ આ દવાઓનું ઓનલાઇન ગેરકાયદે વેચાણ કરી કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાથી એફડીએએ કડક પગલા ઉપાડી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૩ એફઆઇઆર નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now