અમદાવાદમાં IPLના સમાપન સમારંભમાં રણવીર સિંઘ અને રહમાન ધૂમ મચાવશે

173

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદમાં યોજાનારા આઇપીએલ-૧૫ના સમાપન સમારંભમાં બોલીવૂડ અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ.આર. રહમાન ધૂમ મચાવશે.આઇપીએલની ફાઈનલ ૨૯મી મે ના રોજ અમદાવાદમાં યોજાવાની છે.કોરોનાના કારણે આઇપીએલમાં સમારંભોનુ આયોજન કરવામાં આવતું નથી.ત્રણ વર્ષમાં પહેલી વખત આઇપીએલનો સમાપન સમારંભ યોજાવા જઈ રહ્યો છે, જે યાદગાર બનશે.

રણવીરની સાથે બોલીવૂડના અન્ય કેટલાક સ્ટાર્સ પણ જોડાયે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.આ અંગેની તૈયારીઓ પણ શરૃ કરી દેવામાં આવી છે.થોડા સમય અગાઉ જ બીસીસીઆઇએ સમાપન સમારંભ માટે ટેન્ડર બહાર પાડયું હતુ.બીસીસીઆઇના પ્રમુખ ગાંગુલીને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આઇપીએલના સમાપન સમારંભમાં ભારતી ક્રિકેટની વિકાસયાત્રા દર્શાવતો એક શૉ પણ આયોજીત કરવામાં આવશે.ભારત હાલ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત આ ખાસ શૉનું આયોજન કરવામાં આવશે.

આઇપીએલની પ્રથમ ક્વોલિફાયર ૨૪મી મેએ અને એલિમિનેટર ૨૫મી મે ના રોજ યોજાશે.આ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.જ્યારે ૨૭મી મે ના રોજ અમદાવાદમાં બીજી ક્વોલિફાયર રમાશે.જ્યારે ૨૯મી મે ના રોજ ફાઈનલનું આયોજન કરવામાં આવશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઇપીએલની ફાઇનલમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન્સને પણ આમંત્રણ પાઠવવામાં આવશે.ભારતે ઈ.સ. ૧૯૮૩માં સૌપ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.તેને લઈને તૈયાર કરવામા આવેલી ‘૮૩’ ફિલ્મમાં રણવીર સિંઘે જ ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.

Share Now