મુંબઈ, તા. 10 મે 2022, મંગળવાર : આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) લીગની 15મી સિઝનમાં પોતાના અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ચૂકી છે.મુંબઈ સોમવારે ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 52 રનથી હારી હતી.આ હારની સાથે જ રોહિત શર્માની કેપ્ટનશી વાળી મુંબઈ ઈન્ડિયન્સના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.મુંબઈની આઈપીએલ 2022માં 11 મેચોમાં આ 9મી હાર હતી.આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ હવે આઈપીએલની કોઈ એક સિઝનમાં સૌથી વધારે મેચ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈની ટીમ આ અગાઉ આઈપીએલની કોઈ એક સિઝનમાં આટલી મેચ નહોતી હારી. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ પહેલા 2018, 2014 અને 2009માં 8-8 અને 2021, 2016 તથા 2012માં 7-7 મેચ હારી હતી.
મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહની 5 વિકેટ અને ઈશાન કિશનનો અર્ધસતક ટીમને કામ ન આવ્યો અને ટીમે 52 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.કોલકાતા સામે મુંબઈનો બીજો સૌથી ઓછો સ્કોર છે.આ અગાઉ ટીમ 2012માં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા સામે 108 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોલકાતાએ મુંબઈને સતત ત્રણ મેચમાં હરાવ્યું હોય.