મુંબઈ : સુપ્રીમ કોર્ટે રાજદ્રોહની કલમને હાલ સ્થગિતી આપતો ચુકાદો આપ્યો છે.આ નિર્ણયનું કાયદાકીય વર્તુળમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે.જાણીતા વિશેષ સરકારી વકિલ એડવોકેટ ઉજ્જ્વલ નિકમે આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે.તેમણે જણાવ્યા મુજબ રાજદ્રોહની કલમનો ઉપયોગ રાજકીય હરીફોને હંફાવવા માટે કરવામાં આવતો હતો.આ કલમ એટલી બધી નાજુક હતી કે કોઈની પણ સામે તેને લાગુ કરી શકાતી હતી.ભારતીય નાગરિકોને કેટલાંક મૂળભૂત અધિકારો છે. લેખન, ભાષણ સ્વતંત્રતાનો ભાગ છે, તેને રુંધવા માટે રાજદ્રોહની કલમનો ઉપયોગ થતો હતો.હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લીધે રાજ્ય અથવા કેન્દ્ર આ કલમ હેઠળ નવો કોઈ ગુનો નોંધી શકશે નહીં.
મહારાષ્ટ્રમનાં રાજદ્રોહના ગુનાનો સામનો કરી રહેલા હાઈ પ્રોફાઈલ લોકોમાં અભિનેત્રી કંગના રનૌત, સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા તથા એલ્ગાર પરિષદ કેસના આરોપીઓ અને એલજીબીટી માર્ચમાં સર્જીલ ઈમામના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનાર ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.તાજેતરમાં જ રાણા દંપતી સામે આ કલમ લાગુ કરવામાં આવી છે.મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રી સામે હનુમાન ચાલિસાનું પઠન કરવાની હઠ પકડનારા રાણા દંપતી સામે રાજદ્રોહના ગુનાની નોંધ કરવામાં આવી હતી. જોકે સેશન્સ કોર્ટે તેમને જામીન આપતી વખતે નોંધ કરી હતી કે માત્ર વાંધજનક શબ્દપ્રયોગ કરવાથી રાજદ્રોહનો આરોપ લાગુ થતો નથી.બુધવારે સુપ્રીમ કોર્ટેને લીધે મુંબઈ પોલીસ દ્વારા તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિતી મળશે અને રાજદ્રોહની કલમ હેઠળ આરોપનામું નોંધાવવાથી પોલીસે અટકવું પડશે.જોકે અન્ય આરોપોની પોલીસ તપાસ ચાલુ રાખી શકે છે, જેમાં બે જુથ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી તથા બોમ્બે પોલીસ એક્ટનો ભંગ કરવો વગેરેનો સમાવેશ થાય છે.આ કાયદા હેઠળ સાત વર્ષની જેલથી થી જન્મટીપ સુધીની જોગવાઈ છે.
જેએનયુના વિદ્યાર્થી સર્જીલ ઈમામના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા બદલ ૨૦૨૦માં ત્રણ વિદ્યાર્થીઓ અને અન્ય કેટલાંક સામે પણ રાજદ્રોહનો ગુનો નોંધાયો છે પણ પોલીસ ેહજી આરોપનામું દાખલ કર્યું નથી.ત્રણ વિદ્યાર્થીઓને આગોતરા જામીન આપવામાં આવ્યા છે.ઈમામને દિલ્હી પોલીસે રાજદ્રોહના કેસમાં પકડયો હતો.સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કેસમાં પણ પોલીસે રાજદ્રોહના ગુનાને બાકાત રાખીને અન્ય કલમ હેઠળ આરોપનામું દાખલ કરવું પડશે.કેસ રદ કરવા માટેની તેમની અરજી હા ઈકોર્ટમાં પ્રલંબિત છે.આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ટાંકવામાં આવી શકે છે.
અભિનેત્રી કંગના રનૌત સામે ૨૦૨૦માં રાજદ્રોહની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.કંગનાએ બોમ્બે હાઈ કોર્ટમાં એફઆઈઆર રદ કરવાની અરજી કરી છે જે હજી પ્રલંબિત છે. તેની સામે અન્ય કલમો હેઠળ પણ આરોપો છે જેમાં હેતુપૂર્વક ધાર્મિક ભાગવા દુભાવવાનો પણ સમાવેશ થાય છે.એલ્ગાર પરિષદ કેસમાં ૧૫ જણ સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગયા વર્ષ આરોપનામું નોંધાવ્યું હતું જેમાં રાજદ્રોહનો પણ સમાવેશ છે.આ કેસમાં હાલ આરોપનામું ઘડવાની પ્રક્રિયા ચાલી રહી છે.તેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદા હેળ અને યુદ્ધ છેડવા તથા પ્રોત્સાહન આપવાની કલમ હેઠળ પણ ગુનો નોંધાયો છે જેમાં મહત્તમ સજા મૃત્યુદંડ છે.