એક્સપ્રેસ ટ્રેનોમાં અયોગ્ય કારણસર ખેંચાતી સાંકળને લીધે મુંબઈ લોકલને લાગે છે ‘લેટમાર્ક’

109

મુંબઈ : મધ્ય રેલવેમાં વારંવાર ટ્રેનો મોડી પડતી હોવાની પ્રવાસીઓની સતત ફરિયાદ રહે છે.તે પાછળ મેલ-એક્સપ્રેસ કે લોકલમાં ચેન ખેંચવી, ઓવરહેડ વાયરમાં ખામી સર્જાવી, મેગાબ્લોક, મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં બગાડ કે ટ્રેનોનું ખોટકાવું જેવા અનેક પરિબળો કારણભૂત રહે છે.તેમાં ટ્રેનની સાંકળ ખેંચાવાની ફરિયાદ વધુ મળે છે.જેમાં કેટલીકવાર તો સાવ નજીવા કારણસર પણ સાંકળ ખેંચાતી હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે.

મધ્ય રેલવેનું કહેવું છે કે, ઘણીવાર એક્સપ્રેસના પ્રવાસીઓ તેમનો ફોન નીચે પડી જાય કે કોઈ મુસાફર સ્ટેશન પર ખરીદી કરવા કે પાણી ભરવા ઊતર્યું હોય અને ટ્રેન ચાલું થઈ જાય તો ઘણીવાર લોકો સાંકળ ખેંચી ટ્રેનને અટકાવી દે છે.જેની અસર લોકલ ટ્રેનના સમય પર પણ પડે છે અને તે મોડી પડે છે.અધિકારીઓનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ રેલવેમાં એક્સપ્રેસ ટ્રેનોમાં સાંકળ ખેંચાવાને કારણે મુંબઈ વિભાગમાં ૨૩૦૦ લોકલ ટ્રેન ૧૫ થી ૨૦ મિનીટ મોડી દોડી હતી.

જોકે આવી સાંકળ ખેંચાવાની ઘટનાઓ મોટા ભાગે દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પનવેલ જેવા સ્ટેશનોએ જ બને છે.એક ટ્રેનની સાંકળ ખેંચાય કે પાછળ બીજી ટ્રેનોને પણ અસર થતી હોય છે.આથી પાછળની બધી ટ્રેનોને લેટમાર્ક લાગે છે.

સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યાનુસાર, પહેલીથી ૩૦મી એપ્રિલ દરમ્યાન મુંબઈ વિભાગમાં કુલ ૩૩૨ સાંકળી ખેંચવાના કિસ્સા નોંધાયાં.જેમાંથી માત્ર ૫૩ જેટલાં જ કિસ્સાઓમાં સાંકળી ખેંચવા પાછળ યોગ્ય કારણ હતું.જ્યારે ૨૭૯ જેટલાં કિસ્સામાં સાંકળી ખેંચવા પાછળ કોઈ વાસ્તવિક કારણ કળાયું નથી.અયોગ્ય કારણસર સાંકળી ખેંચવા બદ્દલ કુલ ૧૮૮ લોકોને રેલવેના સંબંધિત કાયદાનુસાર દંડિત કરી રેલવેએ તેમની પાસેથી ૯૪,૦૦૦નો દંડ વસૂલ્યો છે.કારણ અયોગ્ય કારણસર સાંકળી ખેંચનાર પ્રવાસીને રેલવે કાયદા,૧૯૮૯ની કલમ ૧૪૧ હેઠળ ત્રણ મહિનાનો કારાવાસ કે એક હજાર રુપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

Share Now