વડોદરા, : તા.11 વડોદરામાં ફરી તાપમાન ૪૩ ડિગ્રીને સ્પર્શી ગયું હતું.અગનભઠ્ઠીમાં ફેરવાયેલા શહેરમાં ઉનાળાની સિઝનમાં ત્રીજી વખત ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.યલો એલર્ટની ચેતવણી વચ્ચે આકરી ગરમીમાં લોકો શેકાયા હતાં.
ઉલ્લેખનીય છે કે સપ્તાહના પ્રારંભથી જ હવામાનખાતાની આગાહી મુજબ તીવ્ર ગરમીની શરૃઆત થઇ હતી.રવિવારે ૪૩.૬ ડિગ્રી ગરમીની સાથે હોટ સપ્તાહની શરૃઆત ચાલુ છે. રવિવાર બાદ સોમવાર અને મંગળવારે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો જો કે યલો એલર્ટ મુજબની ગરમી લોકો અનુભવી રહ્યા છે.આજે બુધવારે ફરી તાપમાન ૪૩ ડિગ્રી નોધાયું હતું.ધોમધખતા તાપમાં બપોરના સુમારે શહેરના કેટલાક રાજમાર્ગો શાંત જણાતા હતાં.કામ વગર લોકો બહાર નીકળવાનું ટાળતા હતાં.
હવામાનખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાનમાં આજે ગઇકાલ કરતા તાપમાન ૦.૪ ડિગ્રી વધ્યું હતું તેમજ ન્યૂનત્તમ તાપમાન ૧.૬ ડિગ્રી ઘટીને ૨૭.૬ નોંધાયું હતું.આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ દિશાના ૮ કિલોમીટરની ઝડપે ગરમ પવનોના કારણે ગરમીનો અહેસાસ લોકોને વધુ થતો હતો.હવામાં સવારે ૫૫ અને સાંજે ૨૫ ટકા ભેજનું પ્રમાણ જણાયું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે હજી પણ બે દિવસ શહેરીજનોએ આકરી ગરમી સહન કરવી પડશે.