વડોદરા : એરપોર્ટ સર્કલ નજીક લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે આજે ઓફિસ અવર્સ દરમિયાન ફરી એક વાર ચક્કાજામ થતાં વાહનચાલકો અટવાયા હતા.એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશન દ્વારા ચાલતી કામગીરીને કારણે ખોદકામ પુરૃં નહીં થતાં સવારે અને સાંજે ઓફિસના કલાકો દરમિયાન વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
નજીકમાં અમિતનગર સર્કલ પાસે ટ્રાફિક પોલીસની હાજરી હોય છે તેમજ ઉપરોક્ત વિસ્તારમાં સીસીટીવી પણ મૂકેલા છે.એરપોર્ટથી સરકિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ જવા માટે વીવીઆઇપી પણ એરપોર્ટ સર્કલ થી આવજા કરતા હોય છે.જેમની સેવામાં પોલીસ તૈનાત હોવાથી તેમને કોઇ અડચણ પડતી નથી.આજે સાંજે છત્તિસગઢના મંત્રી કેવડિયાથી હરણી એરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી પોલીસના પાયલોટિંગ સાથે વડોદરા સરકિટ હાઉસ પહોંચ્યા હતા.
ટ્રાફિકનું નિયમન નહીં થતું હોવાથી ઓફિસ અવર્સ દરમિયાન નિર્દોષ નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આજે સાંજે અમિત નગર સર્કલ થી એરપોર્ટ સર્કલ વચ્ચે એક કલાક સુધી એક કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.જેમાં બે એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.