ભાવનગર : રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.૧માં પ્રવેશ મેળવવા પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ વર્ષ ૨૨-૨૩ના બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરાવવા તા.૧૨-૫ થી ૧૪-૫ સુધીમાં વેબ પોર્ટલ ઉપર ક્રમ મુજબની શાળાની પસંદગી કરી શકાશે.રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડનું પરિણામ વડી કચેરી દ્વારા તા.૨૬-૪-૨૦૨૨ના રોજ જાહેર કરાયેલું હતું.સદર પ્રથમ રાઉન્ડ બાદ જે બાળકોની અરજી જિલ્લાકક્ષાએ માન્ય થયેલ હોય પરંતુ પ્રથમ રાઉન્ડમાં વડી કચેરી દ્વારા ઓનલાઇન શાળા ફાળવણી કરવામાં આવેલ ન હોય માત્ર તેવા વિદ્યાર્થીઓને જ આર.ટી.ઇ. હેઠળની ખાલી જગ્યાઓ ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી માટે તક આપવામાં આવે છે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ ફાળવી શકાય.
જે વિદ્યાર્થીઓ આર.ટી.ઇ. હેઠલ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૧૨-૫-૨૦૨૨ ગુરૂવારથી તા.૧૪-૫-૨૦૨૨ શનિવાર સુધીમાં આર.ટી.ઇ.ના વેબ પોર્ટલ પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની જ શાળાઓ પસંદ કરવાની રહેશે.ત્યારબાદ વડી કચેરી દ્વારા આગળના બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.સબમિટ આપ્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ તથા કોઇ રીસીવિંગ સેન્ટર પર રૂબરૂ જમા કરાવવાના નથી.સાથે જે વિદ્યાર્થીઓની અરજી જિલ્લા કક્ષાએ નામંજુર કરાઇ હોય તેવા કોઇ વિદ્યાર્થીઓ શાળા પુનઃ પસંદગી કરી શકાશે નહીં, કે બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકશે નહીં.