ચેતેશ્વર પુજારા જેવી એકાગ્રતા જૂજ બેટ્સમેનોમાં જોઈ છે : રિઝવાન

234

લંડન, તા.૧૧ : ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનનો વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન હાલમાં ઈંગ્લેન્ડની સસેક્સ કાઉન્ટી તરફથી રમી રહ્યા છે.પુજારાએ શાનદાર દેખાવ કરતાં રનના ઢગલા ખડકતાં સતત ચાર મેચમાં ચાર સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો છે.પાકિસ્તાનનો વિકેટકિપર બેટ્સમેન રિઝવાન પણ પુજારાની બેટિંગ પર આફરિન પોકારી ઉઠયો છે.રિઝવાને કહ્યું કે, મેં પુજારા જેવી એકાગ્રતા જૂજ ખેલાડીઓમાં જોઈ છે.મારી કારકિર્દીમાં મેં જોયેલા બેટ્સમેનોમાં એકાગ્રતાના મામલે હું પુજારાને ટોચના ત્રણ બેટ્સમેનોમાં સામેલ કરું છું. પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન યુનુસ ખાન પછી હું બીજું સ્થાન પુજારાને આપું છું, જ્યારે ત્રીજા ક્રમે પાકિસ્તાનનો ફવાદ આલમ છે.

બે પરંપરાગત હરિફ ખેલાડીઓ એક જ ટીમ તરફથી રમી રહ્યા છે, ત્યારે કેવું અનુભવો છો ? તેવા સવાલના જવાબમાં રિઝવાને કહ્યું કે, જ્યાં સુધી મારી અને પુજારાનો સવાલ છે તો મને તેમાં કજુ અજુગતું લાગતું નથી.જો તમે તેને પણ આ સવાલ પૂછશો તો મને નથી લાગતું કે તેનો જવાબ મારા કરતાં અલગ હોય.હું તેની સાથે ખુબ જ વાતચીત કરું છું અને તેની સાથે મજાક-મસ્તી પણ કરું છું.તે ખુબ જ સારો વ્યક્તિ છે.તેની એકાગ્રતા લાજવાબ છે.તેની પાસેથી ઘણું બધુ શીખવા જેવું છે.

નિયમિત રીતે વ્હાઈટબોલ ક્રિકેટ રમવાના કારણે લાંબા ફોર્મેટમાં બેટીંગ કરવાની કુશળતા પર અસર થઈ શકે છે.પાકિસ્તાનના બેટ્સમેન રિઝવાને કહ્યું કે, બેટિંગ કરતાં એક સમય એવો આવે છે કે, જ્યારે એકાગ્રતા ઘટવા લાગે છે.યુનુસ ભાઈ, પુજારા અને ફવાદ આલમ કેવી રીતે આટલા લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી રાખી શકે છે.તે મારે જાણવુ છે અને હું પુજારાને આ અંગે જ સવાલ કરતો રહું છું.

પુજારા અને રિઝવાને આ મહિને શરૃઆતમાં જ ડરહામ સામે ૧૫૪ રનની ભાગીદારી નોંધાવી હતી.રિઝવાને કહ્યું કે, હું એક જ પ્રકારે બે વાર આઉટ થયો તે પછી પુજારાની સલાહ લેવા માટે પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, રેડ બોલ ક્રિકેટમાં સ્ટ્રોકને શરીરની નજીકથી રમવો જોઈએ.વ્હાઈટબોલ ક્રિકેટમાં બોલ વધુ સ્વિંગ કે સીમ કરતો નથી, જેના કારણે અમે શરીરથી નજીકથી રમતાં નથી.

Share Now