વલસાડ જિલ્લા ખાણ ખનિજ વિભાગે અધ્ધધ 30 કરોડનો દંડ વસુલ્યો

152

વલસાડ : વલસાડ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગે 2021માં ખનીજની રોયલ્ટી ચોરી રોકવા માટે હાથ ધરેલા ચેકિંગમાં દંડનીય કાર્યવાહીના પગલે રોયલ્ટી વસુલાતમાં 30 કરોડની માતબર રકમ સરકારની તિજોરીમાં જમા કરી રોયલ્ટીની આવકમાં બમણો વધારો કરવામાં આવ્યો છે.ખાણ ખનિજ દ્વારા 2020-21ના નાણાંકીય વર્ષ દરમિયાન ખનીજની ગેરધોરણની હેરાફેરી સામે સિકંજો કસ્યો હતો જિલ્લામાં ખાણ ખનિજ દ્વારા પ્રાપ્ત કરાયેલી 30 કરોડથી ‌વધુની રોયલ્ટી આવક વલસાડ જિલ્લાની અત્યાર સુધીના વર્ષોમાં સૌથી વધુ છે.ગત વર્ષે આ આવક 15.06 કરોડ જેટલી થવા પામી હતી.જેની સામે એક જ વર્ષમાં 30 કરોડની બમણી આવક મેળવી છે.

જિલ્લાના કપરાડા,ધરમપુર,ઉમરગામ,પારડી,વાપી તથા વલસાડ તાલુકામાં જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી કચેરીની ટીમ દ્વારા દિવસ અને રાત્રે અવારનવાર અને જરૂરિયાત મુજબ ખાનગી વાહનનો ઉપયોગ કરી ખનિજ ચોરી પકડવામાં આવી હતી.
જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં જિલ્લા કચેરી દ્વારા ગેરધોરણના કુલ 194 કેસો કરીને રૂ.260.65 લાખની દંડકીય વસુલાત પણ કરી છે.વધુમાં ખાણકામ ઉદ્યોગમાં રસ ધરાવતા લોકોને પારદર્શક પધ્ધતિથી ઓનલાઇન હરાજીથી ખનિજના બ્લોક મળી રહે તે હેતુથી ચાલુ નાણાકીય વર્ષમાં હરાજી માટે બ્લેકટ્રેપ ખનિજના કુલ 4 બ્લોકની જાહેરાત કરાઈ છે.

જેની સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 10 બ્લોક હરાજી માટે મૂકવામાં આવ્યા છે.આમ, સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી મદદનીશ ભુસ્તરશાસ્ત્રી અને તેમના સ્ટાફની મહેનતના પરિણામે રોયલ્ટીની આવકમાં બમણો વધારો થયો છે.

આવક વિકાસના કામોમાં મહત્વપૂર્ણ

જિલ્લાની રેતી,કંકર અને ગ્રેવલની કુલ આવકના 95 ટકા રકમ ગ્રાન્ટ-ઇન-એઇડ પેટે જિલ્લાના વિકાસને લગતા કામો માટે જિ.પં.ને ફાળવે છે.જ્યારે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ પણ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડમાંથી ખાણ પ્રભાવિત વિસ્તારના ગામડાઓમાં શિક્ષણ,આરોગ્ય,પેય જળ અને સડક-માર્ગ જેવા કામો માટે મોટી રકમ ફાળવવામાં આવે છે.આમ ખાણ ખનિજ કચેરી દ્વારા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોમાં ખૂબ જ મોટું યોગદાન આપે છે.

Share Now