ગાઝિયાબાદ : લીંબુ મોંઘા થયા તેની અસર એ છે કે હવે ચોરોની નજર પણ તેના પર પડી છે.ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં શાકભાજીના બજારમાં આવેલા ચોરોએ શાકભાજીને હાથ પણ ન લગાડયો, પણ લીંબુની ૧૨ બોરી ચોરીને લઈ ગયા.
ચોરી કરાયેલા લીંબુની કિંમત ૭૦ હજાર રુપિયા છે.ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટમાં ભોજપુરના રહેવાસી રશીદ શાકભાજીનું કામ કરે છે.તેની શાકભાજીની દુકાનમાં મૂકવામાં આવેલા લીંબુ પર ચોરોએ હાથ સાફ કરી દીધો. રાશિદ તેની દુકાને પહોંચ્યો તો લીંબુ અદ્રશ્ય થઈ ગયા હતા.મંગળવારે રાત્રે તેણે લીંબુની ૧૨ બોરીઓ દુકાનના શેડની પાછળની તરફ રાખી હતી.ત્યાંથી ચોરોએ આ લીંબુની બોરીઓ ચોરી હતી.માર્કેટના સીસીટીવીમાં આ ચોર જણાઈ આવ્યા હતા.લીંબુ ચોરનારા ચોરો પાછા રીતસરના ગાડીમાં આવ્યા હતા.સવારે દુકાનદારે લીંબુ ન જોઈને શોરબકોર કરતાં ત્યાં ભીડ જમા થઈ ગઈ. સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવીની મદદથી ચોરોને પકડવાની વાત કરી છે.આ ઘટના બની ત્યારે માર્કેટમાં ગાર્ડ હતો.આમ છતાં ચોરો આરામથી લીંબુ ચોરી ગયા.