વડોદરા, : ડભોઇ નજીકના ચાંણોદમાં વીજ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ૩૩ વર્ષના યુવકને અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઇ હતી.શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર્સની ટીમ દ્વારા તેઓને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.દર્દીના પત્ની અને સગા સંબંધીઓ દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવતા કિડની, લિવર, ફેફસા અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.આ ઓર્ગન ડોનેશનના કારણે સાત વ્યક્તિઓને નવજીવન મળશે.
ડભોઇમાં રહેતા ૩૩ વર્ષના સચિન ભૂપેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ ચાંણોદ વીજ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.ગત તા.૪ થી એ તેઓ ઓફિસના કામથી પોતાના સ્કૂટર પર નીકળ્યા હતા.ડભોઇ વેગા ચોકડી પાસે સ્કૂટર સ્લિપ થઇ જતા તે ડિવાઇડર સાથે અથડાયા હતા.અને માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે શહેરના ઇલોરાપાર્ક વિસ્તારની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સચિનને બ્રેનમાં ગંભીર ઇજા થઇ હોઇ,અઠવાડિયાની સારવાર બાદ પણ રિકવરી આવી નહતી.અને છેવટે ગઇકાલે ડોક્ટર્સની ટીમ દ્વારા દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ડોક્ટર્સની ટીમ દ્વારા સચિન બ્રહ્મભટ્ટના પરિવારજનોને ઓર્ગન ડોનેશન માટે સમજાવવામાં આવ્યા હતા કે, ઓર્ગન ડોનેશનથી અન્ય લોકોેને નવું જીવન મળશે.સચિન બ્રહ્મભટ્ટના પરિવારે સંમતિ દર્શાવતા છેવટે ડોક્ટર્સની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી હતી.સચિનના ફેફસા, લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.ફેફસા હવાઇ માર્ગે ચેન્નાઇટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.જ્યારે કિડની તથા લિવર ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.