કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓએ પિઝા, ચિપ્સ અને સેન્ડવીચ જેવું ફાસ્ટફૂડ ખાવાનું ઓછું કર્યું

166

વડોદરા : કોરોના કાળ બાદ મોટાભાગના લોકો સ્વાસ્થ્યની ચિંતા કરતા થયા છે.તબિયતનુ ધ્યાન રાખતા થયા છે.જેમાંથી હવે યંગ જનરેશન પણ બાકાત નથી રહી.યુનિવર્સિટી અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓના ખાવા પીવામાં નોંધપાત્ર બદલાવ આવ્યા છે.મોટાભાગના વિદ્યાર્થીઓ ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિન્કસના શોખીન હોય છે પણ કોરોના પછી વિદ્યાર્થીઓના ખોરાકમાં ફ્રુટ અને શાકભાજી જેવા હેલ્ધી ફૂડનુ પ્રમાણ પણ વધ્યુ છે.

વડોદરાના અધ્યાપક અને આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગમાં ભણાવતા ડો.ખિમ્યા ટીનાનીના હાથ નીચે તેમની ત્રણ વિદ્યાર્થિનીઓ ખૂશ્બૂ અગલ, શૈલજા યાદવ અને શ્રધ્ધા શાહે ૩૨૬ વિદ્યાર્થીઓ પર કરેલા સર્વેમાં ઉપરોક્ત જાણકારી સામે આવી છે.આ સવેના તારણો પ્રમાણે વિદ્યાર્થીઓએ કોરોના કાળ બાદ સોફટ ડ્રિન્ક પીવાનુ ઓછુ કર્યુ છે તો પિઝા, ચિપ્સ અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડ ખાવાનુ પ્રમાણ પણ ઘટાડયુ છે.જોકે ચા-કોફી અને દૂધ પીવાની વિદ્યાર્થીઓની ટેવમાં કોરોના કાળ પહેલા અને કોરાના કાળ પછી કોઈ ફેરફાર થયા નથી.સર્વેમાં સમાવાયેલા ૬૫ ટકા વિદ્યાર્થીઓ એવા છે જે ઘરે રહીને અને ૩૫ ટકા વિદ્યાર્થીઓ એવા છે જે બહારગામના હોવાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.સર્વેમાં વિદ્યાર્થીઓ રોજ બરોજ ખાતા-પિતા હોય તેવી ૧૮ વસ્તુઓનો સમાવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓ દર અઠવાડિયે કેટલી વખત આ વસ્તુઓ ખાય-પીએ છે તે જાણીને તેમની ફૂડ હેબિટ્સ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ દર સપ્તાહે કઈ વસ્તુ કેટલી વાર ખાય છે.કોરોના પહેલા અને કોરોના પછી વિદ્યાર્થીઓ કઈ વસ્તુ એક સપ્તાહમાં સરેરાશ કેટલી વાર ખાય છે તેની જાણકારી સર્વેના ભાગરુપે એકઠી કરવામાં આવી છે.

ફૂડ આઈટમ કોરોના પહેલા કોરોના પછી સરેરાશ( એક સપ્તાહમાં)

ફ્રેશ ફ્રૂટ ૩.૮૭ ૪.૬૮

શાકભાજી ૪ ૪.૮૭

કેક ૨.૨૨ .૮૬

પાસ્તા ૨.૩૨ .૮૩

ભાત ૫.૩૧ ૫.૩૧

બ્રેડ ૨.૨૭ .૮૩

અનાજ ૪.૧૯ ૫.૭૧

કઠોળ ૪.૧૬ ૫.૯૬

પિઝા ૨.૩૩ ૦.૮૪

સેન્ડવિચ ૨.૩૪ .૮૪

પેકેજ્ડ ફૂડસ ૨.૩૩ .૮૬

સોફ્ટ ડ્રિન્ક ૨.૩૩ .૮૪

મિલ્ક ૪.૪૬ ૪.૪૬

ચા અથવા કોફી ૪.૪૬ ૪.૪૬

બીએમઆઈ પ્રમાણે ઘરે રહીને ભણતા અને હોસ્ટલેમાં રહીને ભણતા કેટલા વિદ્યાર્થીઓના વજનની પણ સરખામણી કરવામાં આવી હતી.જે પ્રમાણે હોસ્ટેલના ૪૭ ટકા વિદ્યાર્થીઓ બીએમઆઈના ધારાધોરણ કરતા ઓછુ વજન ધરાવતા હતા.ઘરે રહેતા ૪.૩ ટકા જ વિદ્યાર્થીઓનુ વજન ધારાધોરણ કરતા ઓછુ હતુ.જ્યારે બીએમઆઈ ઈન્ડેક્સ પ્રમાણે ઘરે રહેતા વિદ્યાર્થીઓ પૈકીના ૮૧ ટકા વિદ્યાર્થીઓનુ વજન નોર્મલ હતુ.હોસ્ટેલના માત્ર ૧૪ ટકા જ વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવ્યા હતા.ઘરે રહેતા ૧૧.૮ ટકા વિદ્યાર્થીઓનુ વજન સામાન્ય કરતા વધારે અને હોસ્ટેલના ૨૩ ટકા વિદ્યાર્થીઓનુ વજન સામાન્ય કરતા વધારે હતુ.હોસ્ટેલમાં રહેતા ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓ સ્થૂળ હોવાનુ અને ઘરે રહીને ભણતા વિદ્યાર્થીઓ પૈકીના માત્ર ૨.૮ ટકા વિદ્યાર્થીઓ સ્થૂળ હોવાનુ સામે આવ્યુ હતુ.

Share Now