મુંબઈ : મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણના રત્નાગિરિ જિલ્લાના ભાટયે ગામના સમુદ્ર કિનારા પર પોર્ક્યુપાઇન પફર નામની વિશિષ્ટ પ્રજાતિની માછલી મૃત અવસ્થામાં મળી આવી છે.હાલ ઉનાળાના બળબળતા દિવસો હોવાથી ગરમીમાંથી રાહત મેળવવા અસંખ્ય સહેલાણીઓ ભાટયે ગામના દરિયા કાંઠા પર આવે છે.
જળચર નિષ્ણાતોના કહેવા મુજબ આવી પોર્ક્યુપાઇન માછલી અતિ ઝેરી હોય છે.પોર્ક્યુપાઇન માછલીને મરાઠી ભાષામાં કેંડ માસા કહેવાય છે.જોકે નિષ્ણાતો પોર્ક્યુપાઇનને બ્લોફીશ, બલુન ફીશ અને પફર ફીશ વગેરે નામથી પણ ઓળખે છે.
જળચર વિશેના નિષ્ણાતોએ સહેલાણીઓને અને સ્થાનિક નાગરિકોને મૃત હાલતમાં મળેલી પોર્ક્યુપાઇન માછલીને સ્પર્શ નહીં કરવા કે તેને હાથમાં લેવાનો પ્રયાસ નહીં.કરવા ખાસ ચેતવણી આપી છે.જોકે પોર્ક્યુપાઇન માછલીની પણ જુદી જુદી પ્રજાતિ હોય છે.આફ્રિકન ક્રેસ્ટેડ પોર્ક્યુપાઇન પ્રજાતિની માછલી ઝેરી ગણાય છે.આ પ્રજાતિની માછલી તેના મોઢામાંથી ઝેર બહાર ફેંકે છે.તો વળી અમુક પ્રજાતિની પોર્ક્યુપાઇન માછલી તેના તીક્ષ્ણ કાંટાથી માણસની ચામડીમાં ઝેરીલો ડંખ પણ મારે છે.માછલીના ડંખનું ઝેર માનવીના શરીરમાં બહુ જલદીથી ભળી જતું હોવાથી સમયસર અને યોગ્ય તબીબી સારવાર ન મળે તો માનવીનું મૃત્યુ થવાનું જોખમ પણ રહે છે.