શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ફરી કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે.હાલમાં જ એક કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની આતંકીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના ૨૪ કલાકની અંદર જ હત્યારા આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે.અને ૨૪ કલાકમાં જ બદલો લેવાના મૃતક રાહુલ ભટ્ટના પત્નીને આપેલા વચનને પણ પુરુ કર્યું હતું.કુલ ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા જેમાંથી બે આતંકીઓ રાહુલની હત્યામાં સામેલ હતા.
જે ત્રણ આતંકીઓ માર્યા ગયા તેમાં એક આતંકીનું નામ ફૈસલ અને સિકંદર છે.બન્ને આતંકીઓ પાકિસ્તાનના રહેવાસી છે.જ્યારે ત્રીજો આતંકી ગુલઝાર અહમદ છે.નોંધનીય છે કે બડગામમાં ચડૂરા તાલુકામાં આતંકીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની ઓફિસમાં ઘુસીને તેની હત્યા કરી દીધી હતી.બીજી તરફ પુલવામામાં આતંકીઓ દ્વારા કોન્સ્ટેબલ રીયાઝ અહેમદ ઠોકરની એક હુમલામા ંહત્યા કરી છે.છેલ્લા ૨૪ કલાકમાં રાહુલ ભટ્ટ બાદ આતંકીઓ દ્વારા આ બીજો હુમલો છે.બંદિપોરામાં હત્યારા અને લશ્કરે તોયબાના બે આતંકીઓ સૈન્ય કાર્યવાહીમાં ઠાર મરાયા હતા.માર્યા ગયેલા બન્ને આતંકીઓ પાકિસ્તાનના રહેવાસી છે અને લશ્કરે તોયબા સંગઠન સાથે સંકળાયેલા છે.હાલમાં જ તેઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસી આવ્યા હતા.જોકે સાલિંદર ફોરેસ્ટ વિસ્તારમાં તેઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા, જ્યારે હવે તેઓ ઠાર મરાયા છે.
દરમિયાન જમ્મુ કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.એક પ્રોેફેસર અલ્તાફ હુસૈન પંડિત, સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેંટના અધ્યાપક મોહમ્મદ મકબુલ અને પોલીસ સિપાહી ગુલામ રસૂલને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આતંકીઓ સાથે લિંક હોવાને કારણે આ પગલુ ભરવામાં આવ્યું હતું.આ સાથે જ એનઆઇએ દ્વારા ટેરર ફન્ડિંગ કેસમાં પૂર્વ એનઆઇએ અધિકારી, કાશ્મીર માનવ અધિકાર એક્ટિવિસ્ટ સહિત સાત લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.તેઓ પર આતંકીઓને ફંડ પુરુ પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ બન્ને વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે.