
અમદાવાદ,શુક્રવાર, 13 મે,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં કેટલી હદે સંકલનનો અભાવ હોય છે એ અંગેનું વધુ એક ઉદાહરણ સામે આવવા પામ્યુ છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ શાળાઓના રીપેરીંગની બાબત હોય કે અન્ય વિકાસની વાત ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટની રકમનો આ પ્રકારના કામમાં ખર્ચ કરવામાં આવ્યો છે આમ છતાં નરોડાના ધારાસભ્યે મ્યુનિસિપલ શાળામાં વોટરકૂલર મુકવા માટે ગ્રાન્ટ ફાળવી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરફથી ધારાસભ્ય આ પ્રકારના કામ માટે ગ્રાન્ટ ફાળવી ના શકે એ પ્રકારનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલ સહિત અન્ય પ્રોજેકટોમાં ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટ ફાળવણીની રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ અંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ટોચના અધિકારીનો આ બાબતમાં સંપર્ક કરતા તેમણે સ્વીકાર કર્યો હતો કે,મ્યુનિસિપલ શાળાઓમાં વિકાસને લગતા કોઈપણ કામ માટે ધારાસભ્ય અને સાંસદ ગ્રાન્ટ આપી શકે છે.
બીજી તરફ શહેરના નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામભાઈ થાવાણીએ તેમના વર્ષ-૨૦૨૧-૨૨ના બજેટમાંથી કુબેરનગર વોર્ડમાં આવેલ ગુજરાતી શાળા નંબર-૧ અને ૨,કુબેરનગર એફ વોર્ડ માટે ૧૫૦ લીટરની ક્ષમતાનું વોટરકૂલર મુકવા ૬૮ હજારની રકમ તેમની ગ્રાન્ટમાંથી ફાળવી હતી.ધારાસભ્યે ગ્રાન્ટ ફાળવ્યા બાદ બીજી મે-૨૦૨૨ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગ તરફથી લેખિતમાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે,આ કામ રાજય સરકારના જિલ્લા વિકેન્દ્રીત આયોજન હેઠળ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હાથ ધરી શકાય એવા કામોની યાદી સાથે સુસંગત નથી.
એક તરફ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓની સ્થિતિ સુધારવા શાસકપક્ષ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તંત્રના અધિકારીઓ અને હોદ્દેદારો સતત પ્રયાસ કરી રહ્યા છે.બીજી તરફ ધારાસભ્ય વોટરકૂલર જેવી ઉપયોગી ચીજ વસાવવા માટે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારી ભાષામાં ધારાસભ્યને જવાબ આપવામાં આવે છે.રસ્તો કાઢવાની જવાબદારી તંત્રના અધિકારીઓની હોય છે.શાળામાં વોટરકૂલર આવશે તો કેટલા લોકોને એનો લાભ મળી શકશે એ વિચારવાના બદલે નિયમમાં આવતુ નથી એમ કહીને જે લોકો પોઝિટિવ બની મદદ કરવા માંગે છે એને પણ નિરુત્સાહ કરવા જેવી તંત્રની કામગીરી જોવા મળી છે.