મુંબઇ : વાહનો માટે પ્રતિબંધિત ઇકો-સેન્ઝીટીવ હિલ-સ્ટેશન માથેરાનમાં ઇ-રિક્ષા દોડાવવા માટે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે.આ સાથે જ અત્યાર સુધી માણસ દ્વારા ખેંચવામાં આવતી રિક્ષા ચાલુ રાખવા દીધી એ બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.મહારાષ્ટ્ર સરકારની યોજના હાથ-રિક્ષાવાળાને ઇ-રિક્ષા ફાળવવાની છે એટલે તેમને રોજગાર ખોવો ન પડે.સુપ્રીમ કોર્ટના જજ નાગેશ્વર રાવે જણાવ્યું હતું કે જરા વિચાર તો કરો ? પહાડી રસ્તે બે-ત્રણ પેસેન્જરનો ભાર વેંઢારીને હાથ-રિક્ષાવાળાએ ફેરા કરવા પડે તેને કેટલી તકલીફ પડતી હશે ?
માથેરાનમાં હાથરિક્ષાની જગ્યાએ ઇલેક્ટ્રિક રિક્ષા દોડતી થાય એ માટે દાદરના નિવૃત્ત શિક્ષક સુનીલ શિંદેએ પિટિશન કરી હતી.દસ વર્ષની એમની લડત સફળ થઇ છે.સુપ્રીમ કોર્ટની બેન્ચે ઇકો-ફ્રેન્ડલી ઇ-રિક્ષા દોડતી કરવા માટે સરકારે ક્યાં પગલાં લીધા છે તેની વિગતો સાથેનું સોગંદનામું નોંધાવવા રાજ્ય સરકારને આદેશ અપાયો હતો.હાથ રિક્ષા ઉપરાં ૪૫૦ ઘોડા, ૫૦૦ ખચ્ચર પર આધાર.દર વર્ષે દસેક લાખ પર્યટકો માથેરાન ફરવા આવે છે.આ ઇકો-સેન્ઝીટીવ ઝોનમાં મોટર-વાહનોની મનાઇ છે એટલે બધો વહેવાર ઘોડા અને હાથરિક્ષા દ્વારા ચાલે છે. માથેરાનમાં હાથરિક્ષાની સંખ્યા ૯૪, ઘોડા ૪૫૦, ખચ્ચર ૫૦૦ છે.